તિહાડઃ આતંકવાદીઓએ ધાર્મિક ગ્રંથોમાં છુપાવ્યાં ‘કબૂતર’

નવી દિલ્હી: તિહાડ જેલમાં બંધ લશ્કરે તોઇબા અને આઇએસ સહિત અનેક સંગઠનોના આતંકવાદી મોબાઇલ અને ચાર્જર છુપાવવા માટે ધાર્મિક ગ્રંથોનો સહારો લઇ રહ્યા છે. આ પ્રકારના બે કેસ સામે આવી ચૂક્યા છે. દેશદ્રોહના આરોપમાં બંધ શંકાસ્પદ આતંકવાદીઓએ ધાર્મિક ગ્રંથના પેજ ફાડીને તેમાં મોબાઇલ અને ચાર્જર છુપાવ્યા હતા.

તલાશી દરમિયાન શંકા જતાં સુરક્ષા એજન્સીઓએ ધાર્મિક ગ્રંથમાંથી મોબાઇલ અને ચાર્જર ઝડપી લીધાં હતાં. વિવાદથી બચવા માટે સુરક્ષા એજન્સીઓએ તેનું વીડિયો કવરેજ પણ કરાવ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે તિહાડ જેલની અંદર મોબાઇલને કબૂતરના નામે ઓળખવામાં આવે છે. મોબાઇલ ચાર્જ કરવા માટે કંપનીના ચાર્જર ઉપરાંત કેટલાક આતંકવાદીઓએ હેન્ડમેડ ચાર્જર પણ બનાવ્યાં હતાં.

જેલમાંથી આવા હેન્ડમેડ ચાર્જર પણ મળી આવ્યાં છે. સૂત્રોએ જણાવ્યું કે જે કેદીઓ પાસેથી આ બધી વસ્તુ મળી આવી છે તેમાં સીમીના કેટલાક સભ્યો પણ સામેલ છે. ગેંગસ્ટર અને અન્ય કેદીઓ પાસેથી થોડા થોડા સમયે મોબાઇલ ફોન મળતા રહે છે. સૂત્રોનું કહેવું છે કે આ વર્ષે આતંકીઓ પાસેથી મળેલા મોબાઇલ બાદ તિહાડ જેલના અધિકારીઓ પરેશાન થયા છે.
આતંકવાદીઓને વોર્ડના સેલમાં બંધ કરીને રાખવામાં આવે છે ત્યાં જેલના તમામ કર્મચારીઓ પણ પહોંચી શકતા નથી.

આવા સંજોગોમાં ફરી વખત તેમની પાસે મોબાઇલ, ચાર્જર અને પ્રતિબંધિત વસ્તુ કેવી રીતે પહોંચી તે એક સવાલ છે. શંકાની સોય તિહાડ જેલના કેટલાક કર્મચારીઓ સામે તકાઇ છે. સવાલ ઊઠી રહ્યો છે કે શું રૂપિયાની લાલચમાં કોઇકે દેશની સુરક્ષાને દાવ પર લગાવીને આતંકવાદીઓ સુધી મોબાઇલ પહોંચાડ્યા?

You might also like