અજાણી મહિલાની કરપીણ હત્યા કરી લાશના ટુકડા અલગ અલગ કૂવામાં ફેંકી દીધા

અમદાવાદ: ધનસુરા નજીક આવેલા બુટાલ ગામના જુદા જુદા કૂવામાંથી મહિલાની લાશના ટુકડા મળી આવતાં આ ઘટનાએ ભારે અરેરાટી ફેલાવી છે. હત્યારાઓએ અજાણી મહિલાની કરપીણ હત્યા કરી લાશના ટુકડા કરી અલગ અલગ કૂવામાં ફેંકી દીધા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે, ધનસુરા નજીક અાવેલ બુટાલ ગામના પાદરમાં આવેલા જુદા જુદા કૂવામાંથી દુર્ગંધ આવતી હોઇ ગ્રામજનોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલીક પહોંચી જઇ તપાસ કરતા કોઇ અજાણી મહિલાની લાશના ટુકડા ચાર કૂવામાંથી મળી આવ્યા હતા.

કોઇ નરાધમોએ આ અજાણી મહિલાનું અપહરણ કરી તેની હત્યા કર્યા બાદ લાશના ટુકડા કરી જુદા જુદા કૂવામાં ફેંકી દઇ પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ મહિલા ક્યાંની છે અને કોણ છે તે અંગે હજુ સુધી પોલીસને કોઇ ચોક્કસ બાતમી મળી નથી. પોલીસે ડોગ સ્કવોડ અને એફએસએલના નિષ્ણાતોની મદદથી સઘન તપાસ શરૂ કરી છે. કૂવામાંથી મહિલાની લાશના ટુકડા મળી આવ્યા હોવાનું વાયુવેગે પ્રસરતા લોકોના ટોળાં ઘટના સ્થળે દોડી ગયા હતા અને જાત જાતની વાતો વહેતી શરૂ થઇ હતી. પોલીસે આ અંગે ખૂનનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

http://sambhaavnews.com/

You might also like