બુટલેગરો બેફામઃ દારૂના અડ્ડા પર રેડ પાડવા ગયેલી પોલીસ પાર્ટી પર જોરદાર પથ્થરમારો

અમદાવાદ: બોરસદ ટાઉનમાં અાવેલા સૈયદ ટેકરા વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા પર રેડ પાડવા ગયેલી પોલીસ પાર્ટી પર જોરદાર પથ્થરમારો થતાં ભારે નાસભાગ મચી ગઈ હતી. પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો કબજે કરી નાસી છૂટેલા બુટલેગરની સઘન શોધખોળ શરૂ કરી છે.

અા અંગેની વિગત એવી છે કે બોરસદના સૈયદ ટેકરા વિસ્તારમાં દારૂનો અડ્ડો ચાલતો હોવાની બાતમી જિલ્લા પોલીસવડાને મળતા પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું. સૈયદ ટેકરાના મેવાડા ફળિયામાં અલીહુસેન સૈયદના મકાનમાં જંગી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઉતારાયો હોવાનું જણાતાં પોલીસે ઘેરો ઘાલ્યો હતો. અા વખતે બુટલેગરના મળતિયાઓનાં ટોળાં ભેગા થયાં હતાં. ટોળાંઓએ પોલીસના વાહનો અને પોલીસકર્મીઓ પર જોરદાર પથ્થરમારો કરતાં મામલો તંગ બન્યો હતો. પથ્થરમારામાં પાંચથી વધુ પોલીસકર્મીઓને ઈજાઓ પહોંચી હતી. પોલીસે અલીહુસેનના મકાનમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો કબજે કર્યો હતો. જોકે બુટલેગર પોલીસને થાપ અાપીને નાસી છૂટ્યો હતો. અા વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુસર તકેદારીના પગલાંરૂપે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઈ સઘન પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં અાવ્યું છે.

You might also like