પઠાણકોટમાં ત્રણ શકમંદ શખસ બંદૂકની અણીએ કાર લૂંટી ફરાર

પઠાણકોટ: મંગળવારે મોડી રાત્રે જમ્મુ-જલંધર હાઇવે પર ત્રણ સશસ્ત્ર લૂંટારુઓ પાકિસ્તાન સરહદથી માત્ર ૩પ કિ.મી. દૂર સુજાનપુર ખાતે એક કમ્પ્યૂટર એન્જિનિયરની ફોર્ડ ફિયેસ્ટા કાર બંદૂકની અણીએ લૂંટીને ફરાર થઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં સુજાનપુર પોલીસે હાઇએલર્ટ જારી કરીને સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી દીધી હતી. હજુ સુધી આ લૂંટારુઓની કોઇ જ ભાળ મળી શકી નથી.

તાજેતરમાં થયેલા પઠાણકોટ એરબેઝ પરના આતંકી હુમલાને ધ્યાનમાં લેતાં આ ઘટનાને ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. પઠાણકોટ હુમલા પહેલાં પણ આતંકીઓએ એસપી સલવિન્દરસિંહની કારની લૂંટ ચલાવી હતી. પોલીસે હાલ તકેદારી દાખવીને પઠાણકોટના તમામ માર્ગો પર નાકાબંધી કરીને જમ્મુને પણ એલર્ટ જારી કરી દીધું છે.

આ ઘટના મંગળવારે મોડી સાંજે સુજાનપુર વિસ્તારમાં ઘટી હતી. લૂંટનો ભોગ બનેલ કમ્પ્યૂટર એન્જિનિયર ગૌરવ પઠાણિયાએ જણાવ્યું હતું કે તે ફેમિલી સાથે સુજાનપુરમાં ખરીદી માટે આવ્યો હતો. ભીડના કારણે તેણે કારને પુલ નં.૭ પાસે પાર્ક કરી હતી. દરમિયાન તેની પાસે ત્રણ શખ્સ આવ્યા હતા. એક શખ્સે લિફટ માગી હતી અને ગૌરવે કારનો કાચ નીચે ઉતારતાં જ એક લૂંટારાએ તેના પર રિવોલ્વર તાકીને બહાર નીકળવા કહ્યું હતું. ત્યાર બાદ ત્રણેય લૂંટારુઓ કારમાં સવાર થઇને માધોપુર તરફ ફરાર થઇ ગયા હતા.

ગૌરવે જણાવ્યું હતું કે પ૦૦ મીટર દૂર કાર રોકીને એક શખ્સ બાઇક પર ફરાર થઇ ગયો હતો. ડીએસપીએ જણાવ્યું હતું કે પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે. જોકે બોર્ડર રેન્જના આઇજી લોકનાથ આન્દ્રાએ હાલ કોઇ આ પ્રકારની આતંકી પ્રવૃત્તિ સાથે  આ ઘટના સંકળાયેલી હોવાનો ઇનકાર કર્યો છે.

You might also like