ઈસનપુરમાં ત્રણ યુવકોએ યુવક પર છરીના ઘા ઝીંકી દીધા

શહેરના ઇસનપુર વિસ્તારમાં આવેલ ચંડોળા મહેબૂબના પાર્કિંગ પાસે અગાઉની અદાવતમાં ત્રણ યુવકોએ યુવક પર ડંડા વડે તેમજ છરીના ઘા ઝીંકીને હત્યા કરવાની કોશિશ કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. આ ઘટનામાં યુવકની ત‌‌િબ‌યત નાજુક હોવાથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યારે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ યુવક વિરુદ્ધમાં હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.શાહઆલમ વિસ્તારમાં આવેલ મુસામિયાંની ચાલીમાં રહેતા ૩૮ વર્ષીય મોહંમદ પઠાણે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ યુવક વિરુદ્ધમાં હત્યાની કોશિશ કરવા અંગે ફરિયાદ કરી છે.

મોહંમદ પઠાણ ચંડોળા તળાવ પાસે આવેલ તેના પિતાની સાવરણીની દુકાને બેઠો હતો અને બપોરે દુકાન પરથી મહેબૂબભાઈના પાર્કિંગ તરફ મોહંમદ જઈ રહ્યો હતો તે દરમિયાન નવાબનગરનાં છાપરાંમાં રહેતા બશીર અબ્દુલ કયુમ શેખ અને તેના બે ભાઈઓએ મોહંમદ પાસે આવીને તેં મારી સાથે ઝઘડો કેમ કર્યો હતો, હું આજે તને નહીં છોડું તેમ કહીને ગાળાગાળી કરી હતી.

મોહંમદે ગાળો ન બોલવા બશીરને કહ્યું હતું. આ વાત સાંભળીને બશીર અને તેના બે ભાઈઓએ ઉશ્કેરાઇ જઇને મોહંમદ પર ડંડા વડે હુમલો કર્યો હતો, જોતજોતામાં બશીરના ભાઈએ મોહંમદને છરીના ઘા ઝીંકી દીધા હતા. છરીના ઘા મારતાં મોહંમદ લોહીથી લથપથ હાલતમાં જમીન પર પડ્યો હતો. તેની હાલત નાજુક હોવાથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ ઇસનપુર પોલીસને થતાં તેઓ તાત્કા‌િલક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે શાહઆલમ વિસ્તારમાં આવેલ નવાબનગરનાં છાપરાંમાં રહેતા બશીર અબ્દુલ કયુમ શેખ સાથે અગાઉ ઝઘડો થયો હતો, જેની અદાવત રાખીને ત્રણેયે મોહેમદ પર ડંડા તેમજ છરી વડે હુમલો કર્યો હતો. પોલીસે ત્રણેયે વિરુદ્ધમાં હત્યાની કોશિશની ફરિયાદ દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

You might also like