ગોધાવી કેનાલમાં સરખેજના ત્રણ યુવાન ડૂબ્યાઃ એકનું મોત

અમદાવાદ: સાણંદ તાલુકાના ગોધાવી ગામ નજીક પસાર થતી નર્મદા કેનાલમાં સરખેજના ત્રણ મિત્ર ડૂબી ગયા હોવાની ઘટના બની હતી. જેમાં બે યુવકને સ્થાનિકોએ બચાવી લીધા હતા જ્યારે એક યુવકનું ડૂબી જતાં મોત થયું હતું. બોપલ પોલીસે અકસ્માતે મોત નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ મૂળ શાહપુરનો રહેવાસી અને હાલ સરખેજમાં બિલાસ પ્લાન્ટમાં રહેતો હતો. ગુલામ બખ્તરગીરી શેખ (ઉ.વ.૪૦) તેના અન્ય બે મિત્ર સલીમ સૈયદ અને તેજસ નાયક (બંને રહે. સરખેજ) સાથે ગઇ કાલે બપોરે સાણંદ નજીક આવેલા ગોધાવી ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં નહાવા માટે ગયા હતા.

દરમ્યાનમાં ત્રણેય યુવાન એકાએક કેનાલના ઊંડાં પાણીમાં ડૂબવા લાગ્યા હતા. ત્યાંથી પસાર થતા સ્થાનિકોએ ત્રણેયને ડૂબતા જોતાં ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં સ્થાનિક તરવૈયાએ સલીમ અને તેજસને બચાવી લીધા હતા. જ્યારે ગુલામ ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. ફાયર બ્રિગેડના જવાનો પહોંચી જતાં ભારે શોધખોળ બાદ ગુલામની લાશને કેનાલમાંથી બહાર કાઢી હતી. બોપલ પોલીસે લાશને પી.એમ. માટે મોકલી અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે.

You might also like