વહેલી સવારે કેમિકલ કંપનીમાં ગેસ ગળતર થતાં ત્રણ કામદારનાં મોત

અમદાવાદ: ભરૂચનાં પાનોલી ખાતે ઔદ્યોગિક વસાહતમાં આવેલ એક કેમિકલ કંપનીમાં આજે વહેલી સવારે ગેસ ગળતર થતા ઝેરી ગેસનાં કારણે ગુંગળાઇ જવાથી ત્રણ કામદારના મોત થયા હતા. જ્યારે અન્ય ચારેક જેટલા કામદારને ગેસની અસર થતા સારવાર માટે ખસેેડવામાં આવ્યા છે. આજે વહેલી સવારે બનેલી આ ઘટનાના પગલે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ બનાવની વિગત એવી છે કે, ભરૂચ જિલ્લાના પાનોલી નજીક ઔદ્યોગિક વસાહતમાં આવેલી આર.એસ.પી.એલ. નામની કેમિકલ કંપનીમાં કેમિકલના લોડીંગ વખતે ગેસ ગળતર થયું હતું. ગેસ ગળતર થતાં જ ઝેરી ગેસ ફેકટરીમાં પ્રસરતા કામદારોએ ભયના કારણે નાસભાગ કરી મૂકી હતી.

ગેસ ગળતરથી ત્રણ કામદારને ગંભીર અસર પહોંચતા તેમને તાબડતોબ ભરૂચની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર મળતા પહેલા આ ત્રણેય કામદારોના મોત થયા હતા. આ ઉપરાંત ચાર કામદારોને ગેસની અસર થતા તેમને સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે.

કેમિકલ કંપનીમાં ગેસ ગળતર થયું હોવાની વાત વાયુવેગે ઔદ્યોગિક વસાહતમાં પ્રસરી જતા લોકોનાં જીવ પડીકે બંધાઇ ગયા હતા. અને ભારે નાસભાગ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડના જવાનોએ કાફલા સાથે તાત્કાલીક પહોંચી થઇ ગેસ ગળતર થતું અટકાવી દીધું હતું.

પોલીસે તાત્કાલીક કેમિકલ કંપનીમાં પહોંચી જઇ તમામ કામદારોને કંપનીની બહાર કાઢ્યા હતા અને ફેકટરી ફરતે કોર્ડન કરી લોકોની તેમજ વાહનોની અવરજવર અટકાવી દીધી હતી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

You might also like