બુટિકમાંથી ચોરી કરનાર ત્રણ શખસની ધરપકડ

અમદાવાદ: શહેરના સોલા સાયન્સ સિટી રોડ પર અાવેલા બુટિકમાંથી મોડી રાત્રે દુકાનનું શટર તોડી ચોરી કરનાર ત્રણ શખસની સોલા પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ચોરીનો તમામ મુદ્દામાલ, ઓટોરીક્ષા સહિત રૂ. ૧.૫૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

સોલા પોલીસ સ્ટેશનના પી.અાઈ. દિગ્વિજયસિંહ રાણાએ જણાવ્યું હતું કે સોલા પોલીસ સ્ટેશનના પોલીસ મોડી રાત્રે પેટ્રોલિંગમાં હતા,તે દરમિયાનમાં બાતમીના અાધારે એક ઓટો રિક્ષાને રોકી તપાસ કરતાં તેઓના નામ યુનુસ ઉર્ફે પાઈપ અબ્દુલરહેમાન રંગરેજ (ઉં.વ.૩૬, રહ સિટીઝનનગર, દાણીલીમડા), આમિરખાન સુબેખાન પઠાણ (ઉં.વ. ૨૮, રહે સિટીઝનનગર, દાણીલીમડા) અને વાહિદ બાબુભાઈ મણિયાર (ઉં.વ. ૨૮, રહે. ન્યૂ શાહ અાલમ નગર, દાણીલીમડા) હોવાનું જણાવ્યું હતું. તેઓ પાસેથી ડ્રેસ મટીરિયલ્સ, કુરતી ડિસમિસ, મોબાઈલ ફોન મળી અાવ્યો હતો.

જે બાબતે પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ ન મળતાં પોલીસે વધુ પૂછપરછ કરતાં તેઓએ સોલા સાયન્સ સિટી રોડ પર અમિત રેસિડન્સીમાં અાવેલ હીરવા બુટિકમાંથી અા ડ્રેસ, કુરતીઓ વગેરેની ચોરી કરી હતી. અારોપી યુનુસ અગાઉ વાહન ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. તેમજ વાહિદ મણિયાર લૂંટ અને વાહનચોરીના ગુનામાં પણ ઝડપાઈ ચૂક્યો છે. પોલીસે તમામની ધરપકડ કરી તમા મુદ્દામાલ કબ્જે કર્યો છે.

You might also like