આર્મી પ‌બ્લિક સ્કૂલના ત્રણ ‌ વિદ્યાર્થી ‘લાલ બાગ કા રાજા’ જોવા મુંબઈ જતા રહ્યા

અમદાવાદ: અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી આર્મી પબ્લિક સ્કૂલમાંથી નાસી ગયેલા ત્રણ ‌વિદ્યાર્થીઓ મુંબઇના પ્રસિદ્ધ લાલ બાગ કા રાજાનાં દર્શન કરવા માટે પહોંચી ગયા હતા. આજે વહેલી સવારે ત્રણેય વિદ્યાર્થી હેમખેમ રીતે વડોદરાથી મળી આવતાં પોલીસ તેમજ તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. સુરતમાં ચા વેચતા એક યુવકે ત્રણ ‌વિદ્યાર્થીઓને ઓળખી બતાવતા તેઓ મળી આવ્યા છે.

મેધાણીનગર વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા ભવાનીસિંહ કલ્યાણસિંહ શેખાવતે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં તેમના પુત્ર સહિત ત્રણ કિશોર ગુમ થવા અંગે ફરિયાદ કરી હતી. ભવાનીસિંહનો ૧પ વર્ષીય પુત્ર માનવેન્દ્રસિંહ ઉર્ફે માનવ શાહીબાગ કેન્ટોનમેન્ટ ખાતે આવેલી આર્મી પબ્લિક સ્કૂલમાં ધો.૧૦માં અભ્યાસ કરે છે. ગઇ કાલે માનવ અને તેની સાથે ભણતો કેયૂર પ્રકાશચંદ્ર મોદી અને શિવાંગ મૂકેશભાઇ પારેખ સવારે સ્કૂલે સાઈકલ લઇને ગયા હતા સ્કૂલના પાર્કિગમાં સાઇકલ પાર્ક કર્યા બાદ તેઓ ગાયબ થઇ ગયા હતા.

સ્કૂલ છૂટ્યા પછી ત્રણેય ‌વિદ્યાર્થીઓ પોતાના ઘરે પરત નહીં ફરતા તેમના માતા પિતાના જીવ તાળવે આવી ગયા હતા અને તેમણે તપાસ શરૂ કરી હતી. દરમિયાનમાં ત્રણેય ‌વિદ્યાર્થીઓનાં માતા પિતા સ્કૂલે આવીને પૂછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યંુ હતું કે માનવ, કેયૂર અને શિવાંગ સ્કૂલે આવ્યા જ નથી ત્યારે તેમની સાઇકલ સ્કૂલનાં પાર્કિંગમાંથી મળી આવી હતી. ત્રણેય ‌વિદ્યાર્થીઓ ગુમ થતાં ભવાનીસિંહે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે ‌વિદ્યાર્થીઓ ગુમ થવા બાબતને ગંભીરતાથી લઇને તેમને શોધવા માટે તપાસ શરૂ કરી હતી. જોકે તેઓના ફોન સ્વિચ ઓફ આવતાં પોલીસ મૂંઝવણમાં મુકાઇ હતી.

દરમિયાનમાં ‌વિદ્યાર્થીઓના પિતા ભવાનીસિંહ, પ્રકાશચંદ્ર અને મૂકેશભાઇએ પણ તેમનાં સગાં વહાલાંઓને જાણ કરી દીધી હતી અને અમદાવાદથી મુંબઇ અને દિલ્હી સુધી જતી આવતી તમામ ટ્રેનો પર વોચ ગોઠવી રાખી હતી. એક બાજુ પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે બીજી બાજુ સગાં વહાલાં અને મિત્ર વર્તુળ તપાસ કરી રહ્યાં હતાં. દરમિયાનમાં ભવાનીસિંહે માનવને વોટ્સએપ મેસેજ કરી દીધા હતા. જેમાં મોડી રાત્રે ૧૧.૪પ વાગે માનવે તેના પિતાના મેસેજનો રિપ્લાય આપ્યો હતો કે ‘આ રહા હૂં’ . ત્યારબાદ ફરીથી ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. મોડી રાત્રે ભવાનીસિંહના મિત્રને ફોન આવ્યો હતો કે ત્રણેય ‌વિદ્યાર્થીઓ સુરતની ટ્રેનમાં જોવા મળ્યા હતા. જેના આધારે ભવાનીસિંહએ વડોદરામાં રહેતા તેમના મિત્રને જાણ કરી હતી. ટ્રેન વડોદરા આવી ત્યારે તેમના મિત્રએ ત્રણેય ‌વિદ્યાર્થીઓને શોધી કાઢ્યા હતા. ત્રણેય ‌વિદ્યાર્થીઓ હેમખેમ મળી આવતાં પોલીસ તેમજ પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્રણેય જણની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે મુંબઇમાં લાલ બાગના ગણપતિના દર્શન કરવા માટે ગયા હતા.

સુરત રેલવે સ્ટેશન પર ભવાનીસિંહના મિત્રો માનવ, કેયૂર અને શિવાંગની શોધખોળ કરી રહ્યા હતા દરમિયાનમાં એક ટ્રેન સુરતથી રવાના થઇ ગઇ હતી. આ ટ્રેન ચેક કરવાની બાકી રહી ગઇ હતી. જોકે ટ્રેનમાં ચા વેચતા એક યુવકને ત્રણેય ‌વિદ્યાર્થીઓના ફોટા બતાવ્યા હતા જેમાં તેઓ ત્રણેયને ઓળખી બતાવ્યા હતા અને વડોદરાના મિત્રને જાણ કરી દીધી હતી.

You might also like