લીંબડીમાં વેપારીને રિવોલ્વર બતાવી રૂ.ચાર લાખની લૂંટ કરી ત્રણ ફરાર

અમદાવાદ: સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં ગઇકાલે રાત્રે લૂંટનો બનાવ બન્યો છે. પાન-મસાલાના હોલસેલર વેપારી દુકાન બંધ કરી રાત્રે ઘેર પરત ફરતા હતા ત્યારે એ.ડી. જાની રોડ પર બાઇક પર આવેલા ત્રણ શખસોએ રિવોલ્વર બતાવી ધોકાથી માર મારી રૂ.ચાર લાખની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. બનાવની જાણ લીંબડી પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી જઇ તપાસ શરૂ કરી હતી.

મળતી માહિતી મુજબ લીંબડી રેલવે સ્ટેશન પાસે આવેલ વિપુલ સોસાયટીમાં ભરતભાઇ પટેલ રહે છે. જૂના બસ સ્ટેશન પાસે નિધી સેલ્સ એજન્સીના નામે પાન-મસાલાનો હોલસેલ અને રિટેઇલનો વેપાર કરે છે.

ગઇકાલે રાત્રે ૮-૩૦ની આસપાસ દુકાન બંધ કરી વકરાની રકમ આશરે રૂ.ચારેક લાખ જેટલી થેલામાં ભરી એક્ટિવા લઇ તેઓ ઘેર જવા નીકળ્યા હતા.

એ.ડી. જાની રોડ પર પહોંચ્યા ત્યારે બમ્પ આવતા તેમણે એક્ટિવા ધીમું કર્યું હતું. દરમ્યાનમાં કોઇ બે અજાણ્યા શખસો હાથમાં ધોકો લઇ ભરતભાઇ પાસે આવ્યા હતા અને તેમને માર માર્યો હતો. પાછળથી અન્ય એક શખસ આવ્યો હતો અને રિવોલ્વર બતાવી રૂપિયા ચાર લાખ ભરેલો થેલો લૂંટી ત્રણેય લુંટારુ બાઇક પર ફરાર થઇ ગયા હતા.

આ બનાવની જાણ લીંબડી પોલીસને કરાતા પોલીસ કાફલો તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને રાત્રીના અંધારામાં લુંટારુઓ લૂંટ કરી ફરાર થઇ જતા બાઇક નંબર મળી શક્યો ન હતો. લીંબડી પોલીસે ભરતભાઇની ફરિયાદના આધારે ગુનો નોંધી આસપાસના સીસીટીવી અને બાતમીદારોના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.

You might also like