બનાસકાંઠાના ત્રણ પોલીસ કોન્સ્ટેબલ રાજસ્થાનમાં લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

અમદાવાદ: બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કોન્સ્ટેબલ રાજસ્થાનના જયપુર ખાતે લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ જતાં રાજસ્થાન એસીબીએ અા અંગે ગુનો દાખલ કર્યો છે.  પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મફાભાઈ, કોન્સ્ટેબલ જગદીશભાઈ અને જયેશભાઈ અા ત્રણેય તપાસ અર્થે જયપુર ગયા હતા. પાંથાવાડા પોલીસે તાજેતરમાં કબજે કરેલી ચોરીની કારનો માલિક રાજસ્થાનના જયપુરનો રહીશ હતો. અાથી અા ત્રણેય કોન્સ્ટેબલ રાજસ્થાન જઈ ચોરીમાં પકડાયેલી કારના દસ્તાવેજો સુનીલભાઈના નામના હોઈ તેમને અા કેસમાં અારોપી બનાવવાની ધમકી અાપી પાંથાવાડાના અા ત્રણેય કોન્સ્ટેબલોએ રૂ. ૪૦ હજારની માગણી કરી હતી.

વાતચીતના અંતે છેવટે ૨૦ હજાર રૂપિયા લેવાનું નક્કી થયું હતું. અા રકમ જયપુરના જવાહર સર્કલ પાસે અાવેલા રેસ્ટોરન્ટ પર રાત્રીના સમયે અાપી જવા માટે વાયદો કરવામાં અાવ્યો હતો. બીજી તરફ ફરિયાદીએ અા અંગે એસીબીને જાણ કરતાં રાજસ્થાન પોલીસે રેસ્ટોરન્ટ નજીક છટકું ગોઠવી પાંથાવાડા પોલીસ સ્ટેશનના ઉપરોક્ત ત્રણેય કોન્સ્ટેબલને લાંચની રકમ લેતાં અાબાદ ઝડપી લીધા હતા. પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી અાગળની કાર્યવાહી શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like