યુવાને ગળાફાંસો ખાધોઃ વૃદ્ધ સહિત બેએ નદીમાં ઝંપલાવ્યું

અમદાવાદ: શહેરમાં અાત્મહત્યાનો સિલસિલો જારી રહ્યો છે. જુદા જુદા વિસ્તારમાં વધુ ત્રણ વ્યક્તિએ અાપઘાત કરતાં પોલીસે અા અંગે ગુના દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

અા અંગેની વિગત એવી છે કે વટવા વિસ્તારમાં અાલમ દરગાહની પાછળના ભાગે અાવેલ જૂના મહોલ્લા સૈયદવાડી ખાતે રહેતા મુનાવરખાન મુર્તુજાખાન પઠાણ નામના ૩૮ વર્ષના યુવાને રાતના નવ વાગ્યાના સુમારે પોતાના ઘરમાં જ છતની પાઈપ સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલીક પહોંચી જઈ લાશને પીએ માટે મોકલી અાપી મરનારના ઘરના સભ્યો તેમજ અાજુબાજુના લોકોની પુછપરછ કરી નિવેદન લીધા હતા પરંતુ અાપઘાત કરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

અા ઉપરાંત ચાંદલોડિયા વિસ્તારમાં અાવેલ ઘનશ્યામ કોમ્પ્લેક્સ ખાતે રહેતા ભીખાભાઈ વીરચંદદાસ સુથાર નામની ૭૫ વર્ષના વૃદ્ધ છેલ્લા કેટલાક વખતથી બીમાર હતા. સારવાર કરવા છતાં તબિયત સારી ન થતાં કંટાળી ગયેલા અા વૃદ્ધે રાતના સમયે દધીચિ બ્રિજ નીચે સાબરમતી નદીમાં પડતું મૂકી અાત્મહત્યા કરી હતી. જ્યારે અાંબાવાડીમાં ગુલબાઈ ટેકરા નજીક અાવેલા ઠાકોરવાસ ખાતે રહેતા સંદીપ રમેશભાઈ ઠાકોર નામના ૨૮ વર્ષના યુવાને પણ અગમ્ય કારણસર એનઅાઈડી પાછળ ઘાટ નં.૧૧ પાસે સાબરમતી નદીમાં પડતું મૂકી અાત્મહત્યા કરી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ તાત્કાલીક પહોંચી જઈ ભારે જહેમત બાદ બંને લાશને બહાર કાઢી પીએમ માટે વીએસ હોસ્પિટલ ખાતે મોકલી અાપી હતી. પોલીસે અા અંગે અકસ્માતે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like