મકાન ખાલી કરાવવા ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે અોળખ અાપી ત્રણ શખસે કરી છેતરપિંડી

અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા અને કડીના રાંતેજ ગામમાં રહેતા યુવકે ભેગા મળી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે અોળખ અાપી કડી-કલોલ રોડ પર અાવેલ એક મકાનને ખાલી કરાવવા માટે મકાન માલિક પાસેથી રૂ. ૧.૫૦ લાખ પડાવી છેતરપિંડી અાચરી હોવાની ફરિયાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ છે. પોલીસે ત્રણ શખસ વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કલોલ તાલુકાના સઇજ ગામમાં સુરેશભાઈ પટેલ તેમના પરિવાર સાથે રહે છે. વર્ષ ૨૦૧૧-૧૨માં તેઅોઅે કડી-કલોલ રોડ પર અાવેલ વાત્સલ્ય વાટિકા નામની સોસાયટીમાં ૯૨ નંબરનું મકાન ખરીદ્યું હતું. ૨૦૧૪માં શોભનાબહેન અમીન નામની મહિલાને માસિક રૂ. ૨૦૦૦ ભાડા પેટે ભાડા કરાર કરી અને ભાડે રહેવા માટે અાપ્યું હતું. શરૂઅાતના પાંચ મહિના તેઅોઅે ભાડું અાપ્યું હતું પરંતુ બાદમાં ભાડું અાપવાનું બંધ કરી દીધું હતું. શોભનાબહેને વકીલ મારફતે સુરેશભાઈની વિરુદ્ધમાં ૧૫ લાખ માગતા હોવાનો દાવો કોર્ટમાં દાખલ કર્યો હતો.

જુલાઈ ૨૦૧૭માં સુરેશભાઈ તેમના પુત્રના પાન પાર્લર પર બેઠા હતા ત્યારે બપોરના સમયે કૌશિક પટેલ નામની વ્યક્તિ અાવી હતી. સુરેશભાઈઅે કૌશિકને જણાવ્યું હતું કે વાત્સલ્ય વાટિકા સોસાયટીમાં અમારું એક મકાન છે જે ભાડે અાપેલ છે. તેઅો અા મકાન ખાલી કરતા નથી. તો અા મકાન કોઈ ખાલી કરાવી અાપે તેવો માણસ અાપની જાણમાં છે. કૌશિકભાઈઅે જણાવ્યું હતું કે ચાંદખેડામાં રહેતા હેમરાજભાઈ ઉર્ફે હેમુ રાયમલભાઈ દેસાઈ જેઅો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ડીએસપી તરીકે ફરજ બજાવે છે.તે ખાલી કરાવી અાપશે.

કૌશિકભાઈઅે સુરેશભાઈને હેમરાજભાઈ સાથે ફોન પર વાતચીત કરાવી અલગ અલગ જગ્યાઅે કુલ રૂ. ૧.૫૦ લાખ અાપ્યા હતા. ઘણા સમય બાદ મકાન ખાલી કરવાનો અોર્ડર ન અાવતાં હેમરાજભાઈને પૂછતાં તેઅોઅે ગલ્લાં તલ્લાં શરૂ કર્યાં હતાં. અા અંગે છેવટે ખોટી અોળખ અાપી પૈસા પડાવી છેતરપિંડી અાચરી હોવાનું સુરેશભાઈને ધ્યાનમાં અાવતાં અા અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં કૌશિક પટેલ, હેમરાજ દેસાઈ સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.

You might also like