ત્રણ શખ્સોએ જમીન દલાલને રોડ પર દોડાવી છરીના ઘા માર્યા

અમદાવાદ: અમદાવાદના જુહાપુરા અને વેજલપુર વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી અસામાજિક તત્ત્વોનો ત્રાસ વધી ગયો છે પરંતુ વેજલપુર પોલીસ આવાં અસામાજિક તત્ત્વોને કાબૂમાં રાખવામાં નિષ્ફળ ગઈ છે. વેજલપુરમાં રહેતા જમીન દલાલને ગઈ કાલે મોડી રાતે ત્રણ શખ્સોએ જાહેર રોડ પર દોડાવી અને છરીના ઘા માર્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે વી.એસ. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વેજલપુર પોલીસે ત્રણ યુવકો સામે ગુનો નોંધી તેમને ઝડપવા તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ વેજલપુરના અપનાનગર પાસે આવેલા શબનમ રો હાઉસમાં અહેમદખાન પઠાણ (ઉ.વ 45) પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ સરખેજમાં જમીન દલાલીનું કામકાજ કરે છે. સરખેજના રોયલ અકબર ટાવરમાં રહેતા મુસ્તાક ઉર્ફે મામા અને સોહેલ ઉર્ફે બોડો તેમજ ઘાસમ ઉર્ફે મસ્તાન (રહે.સંકલિતનગર, જુહાપુરા) સાથે જમીનની બાબતે કોઈ માથાકૂટ થઇ હતી.

આ જમીનની અદાવત રાખી ગઈ કાલે રાતે 11.30 વાગ્યાની આસપાસ અહેમદખાન સરખેજથી એક્ટિવા પર તેમના મિત્ર સાથે ઘરે જતા હતા ત્યારે સોનલ ચાર રસ્તા પાસે મુસ્તાક, સોહેલ અને મસ્તાને એક્ટિવાનો પીછો કઈ ટક્કર મારી હતી. જેથી અહેમદખાન નીચે પડી ગયા હતા. ત્રણેયે છરી કાઢી મારવા જતા અહેમદખાન દોડ્યા હતા. દરમ્યાનમાં અહેમદખાન રોડ પર ફસડાઈ પડતાં ત્રણેય તેઓને છરીના ઘા મારી અને ફરાર થઇ ગયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે વી.એસ. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.પોલીસે આરોપીઓને પકડવા કવાયત હાથ ધરી છે.

You might also like