પુલવામામાં મોસ્ટ વોન્ટેડ ઝહુર સહિત ત્રણ આતંકી ઠારઃ એક જવાન શહીદ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. જોકે હજુ ત્રણેય આતંકીઓની લાશ મળી નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે સુરક્ષાદળોએ હિઝબુલના આતંકી ઝહુર ઠોકરને પણ ઠાર માર્યો છે. આ અથડામણમાં એક જવાન શહીદ પણ થયો છે. આ સાથે ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાઈ છે.

આજે સવારે પુલવામા જિલ્લાના ખારપુરામાં સુરક્ષાદળોને આતંકીઓ હાજર હોવાની સૂચના મળી. સૂચનાના આધાર પર કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન શરૂ કરાયું. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો હતો. જવાબી ફાયરિંગમાં સુરક્ષાબળોએ હિઝબુલ કમાન્ડર ઝહુર સહિત ત્રણ આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે અને એક જવાન શહીદ થયો છે.

ઝહુર ઠોકર ૧૭૩ ટેરિટોરિયલ આર્મીનો સભ્ય હતો અને ૨૦૧૬માં સર્વિસ રાઈફલ સાથે ભાગીને આતંકી બન્યો હતો. હાલમાં ત્રણેય આતંકીઓની લાશ મળી નથી. સર્ચ ઓપરેશન ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે ઘાટીમાં સુરક્ષાદળોના જવાનો સતત આતંક વિરોધી અભિયાન ચલાવતા હોય છે. ગયા બુધવારે બારામુલ્લામાં પણ સુરક્ષાબળોએ બે આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. સુરક્ષાબળોને આતંકવાદીઓની હાજરીની સૂચના મળ્યા બાદ બુધવારે સાંજે સોપોરના બર્થકલા વિસ્તારને કોર્ડન કરાયો અને સર્ચ ઓપરેશન ચલાવાયું.

આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીઓ ચલાવવાની શરૂ કરી ત્યાર બાદ અથડામણ શરૂ થઈ, જેમાં આ અથડામણમાં બે આતંકીઓ ઠાર મરાયા હતા. આ વર્ષે કાશ્મીરમાં લગભગ ૨૩૫ આતંકીઓ મૃત્યુ પામ્યા છે, જેમાં મોટા ભાગના આતંકવાદીઓ સ્થાનિક છે.

You might also like