૧૦ ટકા અનામતઃ કેન્દ્રની શૈક્ષણિક સંસ્થાઓમાં ત્રણ લાખ બેઠક વધશે

(એજન્સી) નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા જનકલ કેટેગરીના આર્થિક રીતે નબળા વર્ગો માટે ૧૦ ટકા અનામત જાહેર કરાયા બાદ કેન્દ્રએ આ દિશામાં વધુ એક મોટો નિર્ણય કર્યો છે. સરકારે ૧૦ ટકા અનામતની આ વ્યવસ્થાને લાગુ પાડવા સાથે જ કેન્દ્ર દ્વારા સંચાલિત તમામ ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં સીટો વધારવાનો નિર્ણય  કર્યો છે.

આ નિર્ણય હેઠળ આગામી સમયમાં આઇઆઇટી, આઇઆઇએમ, એનઆઇટી સહિત સેન્ટ્રલ યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં લગભગ ત્રણ લાખ બેઠકો વધારવામાં આવશે એવું જણાવાયું છે.

નવા નિર્ણય હેઠળ સરકારે શૈક્ષણિક સત્ર ર૦૧૯-ર૦માં સીટો વધારવાની પ્રક્રિયા પૂરી કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય હેઠળ પ્રત્યેક સેન્ટ્રલ એજયુકેશનલ ઇન્સ્ટિટયૂટમાં લગભગ રપ ટકાનો વધારો થશે એવો અંદાજ છે. સરકારના આ નિર્ણય અનુસાર વર્ષ ર૦ર૧ સુધી આઇઆઇટીમાં નવી પ૧૦૦ સીટ વધારવાની વાત ચાલી રહી છે. એજ રીતે આઇઆઇએમમાં લગભગ ૮૦૦ સીટ વધશે.

કેન્દ્રીય સંસ્થાઓની સાથે સાથે સરકારે રાજયોને પણ પોતાની શૈક્ષણિક સંસ્થાઓમાં આ પ્રકારની વ્યવસ્થા લાગુ કરવા એક પત્ર લખ્યો છે. સરકારના નવા નિર્ણય બાદ દિલ્હી યુનિવર્સિટી જેવી સેન્ટ્રલ યુનિવર્સિટીમાં હવે લગભગ ૧૬,૦૦૦ વિદ્યાર્થીઓની બેઠક વધી જશે. જેના કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને તેનો લાભ મળી જશે. વિશ્વ ભારતી યુનિવર્સિટીમાં ૮રર અને જવાહરલાલ યુનિવર્સિટીમાં ૩૪૬ વધુ બેઠક પર એડમિશન આપવામાં આવશે.

આંકડાની દૃષ્ટિએ જોઇએ તો હાલ કેન્દ્ર સરકાર દ્વારા નાણાકીય સહાયિત તમામ સંસ્થાઓમાં લગભગ ૯.૩ લાખ વિદ્યાર્થીઓના એડમિશનની વ્યવસ્થા છે. આ સંખ્યામાં આઇઆઇએમ, આઇઆઇએસ, નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી, તમામ સેન્ટ્રલ યુનિવર્સિટી, સેન્ટ્રલ ફ્રી યુનિવર્સિટી, સરકારી કોલેજો, ડિમ્ડ યુનિવર્સિટી અને ગ્રાન્ટ પ્રાપ્ત કોલેજોની બેઠકોનો સમાવેશ થાય છે.

You might also like