બારેજા ચેક પોસ્ટ પર યુવક પાસેથી રૂ.ત્રણ લાખ ઝડપાયા

અમદાવાદ: આગામી મહિને ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ હાલમાં આચારસંહિતા લાગુ થઇ છે. મોટા પ્રમાણમાં રકમ કે સોના-ચાંદીના દાગીનાની હેરાફેરી પર ચૂંટણીપંચ અને પોલીસની ખાસ નજર હોય છે. અસલાલી પોલીસે ગત રાતે બારેજા ચેક પોસ્ટ પર વાહન ચે‌િકંગ દરમ્યાન યુવક પાસેથી રોકડા રૂ. ત્રણ લાખ જપ્ત કર્યા છે. રૂપિયા અંગે પુરાવા ન આપતાં ચૂંટણી ફ્લાઈંગ સ્કવોડે જપ્ત કર્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

અસલાલી પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અસલાલી પોલીસ સ્ટેશનની પીસીઆર વાન ગત મોડી રાતે બારેજા ચેક પોસ્ટ પર વાહન ચે‌િકંગ કરી રહી હતી. દરમ્યાનમાં એક કાર આવતાં પોલીસે તેને રોકી હતી. કારની તપાસ કરતાં રોકડા રૂપિયા ત્રણ લાખ મળી આવ્યા હતા. કારમાં બેઠેલા યુવકની રૂપિયા બાબતે પૂછપરછ કરતાં તેણે સંતોષકારક જવાબ આપ્યો ન હતો, જેથી ચૂંટણીની ફ્લાઈંગ સ્કવોડને જાણ કરવામાં આવી હતી. રૂપિયા અંગે પુરાવા અને સંતોષકારક જવાબ ન આપતાં ફ્લાઈંગ સ્કવોડે રૂ. ત્રણ લાખ જપ્ત કર્યા હતા. રૂપિયા લઈને જતો યુવક ભાજપનો કાર્યકર્તા હોવાનું પોલીસસૂત્રોએ જણાવ્યું હતું.

વિધાનસભાની ચૂંટણીને લઈ આચારસંહિતા લાગુ થઇ છે. મોટા પ્રમાણમાં રકમ અથવા તો સોના-ચાંદીના દાગીનાની હેરાફેરી પર નજર રાખવા પોલીસને ચૂંટણીપંચ દ્વારા સૂચના અપાઈ છે. જો અત્યારે મોટા પ્રમાણમાં હેરાફેરી કરવાની જરૂર પડે તો પુરાવા સાથે રાખવા જરૂરી છે.

You might also like