બેંગલુરુમાં પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટઃ અનેક મકાનો ધરાશાયી, ત્રણનાં મોત

બેંગલુરુ: કર્ણાટકના પાટનગર બેંગલુરુના એજીપુરા વિસ્તારમાં આજે સવારે એક ઈમારતમાં ભયાનક સિલિન્ડર વિસ્ફોટ થતાં ત્રણનાં મોત થયાં હતાં. અહેવાલો અનુસાર આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આસપાસનાં ચાર ઘર આંશિક રીતે ધરાશાયી થઈ ગયાં હતાં. પ્રારંભિક અહેવાલો અનુસાર વિસ્ફોટના કારણે ધરાશાયી થયેલાં મકાનોના કાટમાળ નીચે અનેક લોકો દબાયાની આશંકા છે. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો તાબડતોબ પહોંચી ગઈ છે અને રાહત તેમજ બચાવની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

સમાચાર સંસ્થાના જણાવ્યા અનુસાર સિલિન્ડર બ્લાસ્ટમાં કેટલાંય મકાનોને ખરાબ રીતે નુકસાન પહોંચ્યું છે. ચારેક મકાનોના અમુક ભાગો ધરાશાયી થઈ ગયા છે અને કાટમાળ નીચે અસંખ્ય લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ અને સિવિલ ડિફેન્સના કર્મચારીઓ કાટમાળને હટાવવામાં લાગી ગયા છે. કાટમાળ હટાવવા માટે જેસીબી મશીનોની પણ મદદ લેવામાં આવી રહી છે.

પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ સ્થળ પર મોજૂદ છે અને રાહત અને બચાવ કામગીરીમાં માર્ગદર્શન આપી રહ્યા છે. એકાએક સિલિન્ડર વિસ્ફોટના કારણે વિસ્તારના કેટલાક મકાનોના ભાગો ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને લોકો ગભરાટના માર્યા સ્થળ પરથી ભાગી રહ્યા હતા. બીજી બાજુ મૃતકોનાં પરિવારજનો હૈયાફાટ આક્રંદ કરી રહ્યા હતા. ઘાયલ લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે.

સત્તાવાળાઓ આ ઘટનાના કારણે ઘેરી ચિંતામાં મુકાઈ ગયા છે. જ્યાં સુધી ધરાશાયી થયેલા તમામ મકાનોનો કાટમાળ સંપૂર્ણપણે હટાવવામાં આવશે નહીં ત્યાં સુધી આ દુર્ઘટનાની ગંભીરતાનો ખ્યાલ આવી શકે તેમ નથી, પરંતુ એવી દહેશત છે કે કાટમાળ નીચે અનેક લોકો દબાયા હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે.

You might also like