ગિફ્ટ પેકમાં બોમ્બ ફાટતાં વરરાજા સહિત ત્રણનાં મોત

ભુવનેશ્વર: ઓડિશાના બોલનગીર જિલ્લામાં લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. વાસ્તવમાં લગ્નના રિસેપ્શન સમારોહમાં નવદંપતીને આવેલ એક ગિફ્ટ બોક્સમાં મૂકવામાં આવેલ બોમ્બ વિસ્ફોટ થતાં વરરાજા, તેનાં દાદી અને એક શખ્સ સહિત ત્રણનાં મોત થયાં હતાં.

પોલીસના જણાવ્યા અનુસાર આ વિસ્ફોટમાં દુલહન ગંભીર રીતે ઘાયલ થઈ છે. અહેવાલો અનુસાર આ લગ્ન પાંચ દિવસ પહેલાં થયાં હતાં અને ગઈ કાલે તેનું રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. મૃતક વરરાજા સૌમ્ય શેખરનાં લગ્ન રીમા શાહુ સાથે થયાં હતાં. શુક્રવારે નવદંપતી પોતાનાં સગાંસંબંધીઓ સાથે રિસેપ્શન બાદ આવેલ ગિફ્ટ બોક્સ ખોલી રહ્યાં હતાં ત્યારે એક બોક્સમાં અચાનક પ્રચંડ વિસ્ફોટ થતાં અફરાતફરી મચી ગઈ હતી.

આ વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં નવવિવાહિત યુવક અને તેનાં દાદીને ડોક્ટરોએ મૃત જાહેર કર્યાં હતાં. આ બોમ્બ વિસ્ફોટમાં ઘાયલ થયેલા એક અન્ય શખ્સનું પણ મોત થયું હતું. અહેવાલો અનુસાર રિસેપ્શન દરમિયાન આ ગિફ્ટ બોક્સ કોઈ અજાણી વ્યક્તિ દ્વારા નવદંપતીને મોકલવામાં આ‍વ્યું હતું.

You might also like