ફોર્બ્સની ઈનોવેટિવ કંપનીઓની યાદીમાં ભારતની ત્રણ કંપનીઓ

મુંબઇ: દુનિયાની ૧૦૦ ઇનોવેટિવ કંપનીઓની ફોર્બ્સની યાદીમાં ભારતની ત્રણ કંપની હિંદુસ્તાન યુનિલિવર, એશિયન પેઇન્ટ્સ અને ભારતી એરટેલનો સમાવેશ થાય છે, જ્યારે સેલ્સફોર્સ ડોટકોમએ ટેસલા મોટર્સને પાછળ રાખીને યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

ફોર્બ્સની યાદીમાં અગાઉ હિંદુસ્તાન યુનિલિવર કંપની ૩૧મા સ્થાને હતી, જે સાતમા સ્થાને પહોંચી ગઇ છે, જ્યારે એશિયન પેઇન્ટ્સ કંપની ૧૮મા સ્થાને હતી. તેણે તે યાદીમાં આઠમું સ્થાન મેળવ્યું છે. ટેલિકોમ સેક્ટરની ભારતી એરટેલ કંપની પ્રથમ વાર યાદીમાં સામેલ થઇ છે, જે યાદીમાં ૭૮મા સ્થાને આવી છે.

પાછલા વર્ષે ફોર્બ્સની આ યાદીમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, સન ફાર્મા અને લાર્સન એન્ડ ટુબ્રો કંપની પણ સામેલ હતી, પરંતુ ચાલુ વર્ષે આ યાદીમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી છે તેના કારણે ફોર્બ્સની યાદીમાં અગાઉ ભારતીય કંપનીઓની સંખ્યા પાંચ હતી તેમાં ઘટાડો થઇને ત્રણ થઇ ગઇ છે.

આ યાદીમાં અગ્રણી પાંચ કંપનીઓમાં અમેઝોન ડોટકોમ ત્રીજા સ્થાને, શાંઘાઇ આરએએએસ બ્લડ પ્રોડક્ટ્સ ચોથા ક્રમે, નેટ ફિલિક્સ પાંચમા ક્રમે આવી છે.

You might also like