ત્રણ ગોલ્ડ જીતનારો એથ્લીટ આજે ૩૦૦ રૂપિયાના પેન્શનમાં જીવન પસાર કરે છે

નવી દિલ્હીઃ મેડલ વિજેતા ખેલાડીઓ પર સરકારે ઇનામોનાે વરસાદ કરીને તેઓની સ્થિતિ મજબૂત કરવાનું કામ કર્યું છે, પરંતુ કૌશલેન્દ્રસિંહ માટે સરકારે કંઈ જ કર્યું નથી. કૌશલેન્દ્ર હાલ ૫૧ વર્ષનો થઈ ચૂક્યો છે. તે ૧૬ વર્ષનો હતો ત્યારે તેણે પહેલા ઇન્ટરનેશનલ ઓલિમ્પિક રમતોત્સવમાં ભારત માટે ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા. ૧૯૮૧માં જાપાનની રાજધાની ટોકિયોમાં યોજાયેલા આ રમતોત્સવમાં તેણે ૧૫૦૦ મીટર અને ૧૦૦ મીટર વીલચેયમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે જ ૧૦૦ મીટરની હર્ડલ દોડમાં પણ કૌશલેન્દ્રએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ૧૯૮૨માં હોંગકોંગ ફાર ઈસ્ટ સાઉથ પેસિફિક રમતોત્સવમાં તેણે સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.

એ એવો સમય હતો, જ્યારે અબિલિંપિક્સ, જેને આજે ક્રાફ્ટ અને લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલી સ્પર્ધા તરીકે જોવામાં આવે છે તેમાં વિકલાંગો માટે રમતો સ્પર્ધાઓ આયોજિત કરાતી હતી. કૌશલેન્દ્રસિંહે રાષ્ટ્રીય સ્તર પર પણ ઘણા મેડલ જીત્યા છે. આમ છતાં કૌશલેન્દ્રને મહિને ફક્ત ૩૦૦ રૂપિયાનું પેન્શન મળે છે અને તે સંપૂર્ણપણે પોતાના નાના ભાઈ પર નિર્ભર છે. તેણે રાજ્ય સરકાર સમક્ષ ઘણી વાર મદદ માટે વિનંતી કરી છે, પરંતુ તેની વિનંતી કોઈએ સાંભળી નથી. કૌશલેન્દ્ર જલાલાબાદમાં પોતાના ભાઈ તીર્થરાજ સાથે પોતાના પૂર્વજોના ઘરમાં રહે છે. શારીરિક અક્ષમતાને કારણે હજુ સુધી તેનાં લગ્ન થઈ શક્યાં નથી, પરંતુ પરિવારે તેને પ્રેમ આપવામાં કોઈ જાણતી ઊણપ રાખી નથી. આજે પેરાલિમ્પિક મેડલ વિજેતાઓને ઇનામ મળતાં જોઈને કૌશલેન્દ્ર નિરાશા અનુભવે છે, કારણ કે તેણે પેન્શન મેળવવા માટે પણ ૨૦ વર્ષ સુધી દોડાદોડી અને મહેનત કરવી પડી હતી.

કૌશલેન્દ્રએ કહ્યું, ”નેતાઓએ અનેક વાર ખોટાં વચન આપ્યાં. હવે મેં સરકાર તરફથી કોઈ મદદની આશા છોડી દીધી છે. આ દેશને મેડલની ઇચ્છા છે અને જો મને તક આપવામાં આવે તો હું યુવાન એથ્લીટ્સને ઘણી મદદ કરી શકું તેમ છું, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તર પર ખુદને સાબિત કર્યા છતાં મને કોઈ તક મળતી નથી.”

You might also like