ત્રણ દરવાજા અાખરે દબાણમુક્ત

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નગરદેવી ભદ્રકાળી મંદિરથી છેક ત્રણ દરવાજા સુધીના વિસ્તારને આવરી લેતો આશરે રૂ.ર૭.૩૪ કરોડના ખર્ચે ભવ્ય ભદ્ર પ્લાઝા ડેવલપમેન્ટ પ્રોજેકટ ગત વર્ષ ર૦૧૧માં હાથ ધરાયો હતો, જે ર૦૧૪માં પૂર્ણ કરાયો હતો. જોકે ભદ્ર પ્લાઝા ડેવલપમેન્ટ પ્રોજેક્ટના પહેલા તબક્કા પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ પાથરણાંવાળાઓનાં દબાણના વિવાદથી તેનો બીજો તબક્કો કોર્પોરેશને કંટાળીને પડતો મૂક્યો હતો. આ જૂના દબાણને ખસેડવાની કામગીરી ગઇ કાલે મોડી રાતે એસ્ટેટ વિભાગ દ્વારા હાથ ધરાઇ હતી. કમિશનર મૂકેશકુમારના આદેશના પગલે તંત્ર અચાનક હરકતમાં આવ્યું હતું. મોડી રાતે દબાણ ખસેડાયા બાદ તે સ્થળે હાઇકોર્ટની સૂચના મુજબ માન્ય સામાજિક સંસ્થાઓમાં નોંધાયેલા પાથરણાંવાળા માટે જગ્યા ફાળવવા પીળા પટ્ટા દોરવાની કામગીરી હાથ ધરાઇ હતી, જે હજુ ત્રણેક દિવસ ચાલશે.

ભદ્ર પ્લાઝા પરિસરમાં એક અંદાજ પ્રમાણે ૧૪૦૦થી વધારે ફેરિયાઓઅે કબજો જમાવ્યો છે. ભદ્ર પ્લાઝા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરાયો તે પહેલાં જેટલા ફેરિયાઓનું દબાણ હતું તે કરતાં વધારે ફેરિયાઓને કારણે આ મામલો કોર્ટ આધીન થયો હતો. દોઢ મહિના પહેલાં કોર્પોરેશને કોર્ટમાં સર્વે મુજબ સેવા સંસ્થાના ૩૭ર અને સેલો સંસ્થાના ૪૭ર એમ કુલ ૮૪૪ પાથરણાંવાળા માટે જગ્યા ફાળવવાની અનુમતિ આપી હતી.

કોર્પોરેશન દ્વારા પાથરણાંવાળાદીઠ ૪ ફૂટ બાય પ.પ ફૂટની જગ્યા ફાળવવાની સંમતિ કોર્ટમાં અપાયા બાદ પણ મામલો સુસ્ત હતો. જોકે ગઇ કાલે કમિશનર મૂકેશકુમારના આદેશથી એસ્ટેટ વિભાગ દોડતો થયો હતો. એસ્ટેટ વિભાગનો કાફલો બે દબાણની ગાડી લઇ ત્રણ દરવાજા વિસ્તારમાં પાથરણાંવાળા સહિતના ફેરિયાઓનાં દબાણ ખસેડવા ઊતરી પડ્યો હતો. કારંજ પોલીસ સ્ટેશનના પીઆઇથી કોન્સ્ટેબલ સહિતના ૧૦૦થી વધુ પોલીસ કર્મીઓના ચુસ્ત બંદોબસ્ત હેઠળ રાિત્રના ૧૦.૩૦ કલાકે આ ટીમ દબાણ ખસેડવા આવી પહોંચતાં જ તત્કાળ પાથરણાંવાળાઓ ભેગા થઇ ગયા હતા. પાથરણાંવાળાઓઅે તંત્રની કામગીરીનો ઉગ્ર વિરોધ કર્યો હતો. લગભગ એક કલાકથી દોઢ કલાક સુધી સમગ્ર વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો હતો, જોકે ચુસ્ત પોલીસ બંદોબસ્તના કારણે છેવટે પાથરણાંવાળા શાંત પડ્યા હતા અને તેઓઅે સ્વેચ્છાએ પોતાનાં દબાણ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.

આ અંગે મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગના ઇન્ચાર્જ વડા રમેશ દેસાઇને પૂછતાં તેઓ કહે છે પાથરણાંવાળાએ તેઓનો સામાન સ્વેચ્છાએ ખસેડી લીધા બાદ અમે સ્થળ પર અધિકૃત પાથરણાંવાળાઓને જગ્યા ફાળવવા પીળા રંગના પટ્ટા દોરવા લીધા હતા. ગઇ કાલે મોડી રાત્રે ૩ વાગ્યા સુધી પટ્ટા મરાયા હતા. આજે મોડી રાતના પણ આ કામગીરી આગળ વધશે. સર્વે મુજબ કુલ ૮૪૪ પાથરણાંવાળાઓને જગ્યા ફાળવતાં પટ્ટા દોરાયા બાદ કોર્ટ સમક્ષ તંત્ર આની રજૂઆત કરશે. આ સિવાયના પાથરણાંવાળાઓને ભદ્ર પ્લાઝા પરિસરમાં બેસવાની પરવાનગી અપાશે નહીં.

કોર્પોરેશન દ્વારા રોડ સિવાયના ભાગ પર પાથરણાં માટે પટ્ટા દોરાઇ રહ્યા હોઇ એએમટીએસ બજેટ દરમિયાન ગાંધી રોડ પર ભદ્રકાળી માતા મંદિરથી કાલુપુર રેલવે સ્ટેશન સુધીની બાલા હનુમાન એક્સપ્રેસ મિની બસ જોડાવવાની જાહેરાતની અમલવાળી હવે શકય બનશે. તેમ સૂત્રો જણાવે છે.

સર્વે મુજબ પાથરણાંવાળાઓને તંત્ર દ્વારા કુલ ૮૪૪ જણાઓને જગ્યા ફાળવાઇ હોવા છતાં હજુ પણ પાથરણાવાળાઓની બિનઅધિકૃત સંખ્યાને જોતાં આગામી દિવસોમાં આ સ્થળે અવારનવાર ઘર્ષણ થતું રહેશે.
http://sambhaavnews.com/

You might also like