ત્રણ-ચાર વર્ષમાં કેરોસીનનો ઉપયોગ સંપૂર્ણ બંધ થઈ જશે

નવી દિલ્હી: એલપીજી ગેસની જેમ કેન્દ્ર સરકાર હવે કેરોસીન પરની સબસિડી પણ સીધી લોકોના ખાતામાં ટ્રાન્સફર કરવા પર વિચારણા કરી રહી નથી. સરકારનું માનવું છે કે ૩-૪ વર્ષમાં કેરોસીનનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ થઇ જશે. કેટલાંક રાજ્ય પોતાને કેરોસીન મુક્ત જાહેર કરી ચૂક્યાં છે. તેના પરિણામે કેરોસીન પરની સબસિડી પણ ૩-૪ વર્ષમાં સંપૂર્ણપણે સમાપ્ત થઇ જશે અને તેનું કારણ એ છે કે ઇલેક્ટ્રિફિકેશન અને એલપીજી ગેસના કનેક્શનની સંખ્યા ઝડપથી વધી રહી છે. માટે કેન્દ્ર સરકાર હવે કેરોસીનના વૈકલ્પિક સ્રોતના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

અધિકારીએ જણાવ્યું હતું કે કેરોસીનના માર્કેટ રેટ અને સબસિડી રેટના રૂ. ૧૦.૫૧નો તફાવત છે. અધિકારીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી તમામ રેશનિંગની દુકાનને સબસિડીની ડાયરેક્ટ ટ્રાન્સફર વ્યવસ્થા સાથે સાંકળવામાં આવશે નહીં ત્યાં સુધી તેને બંધ કરવાનું સરળ રહેશે નહીં. કેરોસીનની સબસિડી બેન્ક ખાતામાં મોકલવાની વ્યવસ્થા માટે બેન્કોએ નવેસરથી કામગીરી કરવી પડશે અને આ માટે ખાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું પડશે, પરંતુ હવે કેરોસીનનો ઉપયોગ ધીમેધીમે ઓછો થઇ રહ્યો છે અને ૩-૪ વર્ષમાં કેરોસીનનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ થઇ જશે અને તેના પગલે કેરોસીન પરની સબસિડી પણ બંધ થઇ જશે. સપ્ટેમ્બર-૨૦૧૬થી ૩૧ જાન્યુઆરી-૨૦૧૭ સુધી કેન્દ્ર સરકાર દર ૧૫ દિવસે કેરોસીનની કિંમતમાં ૨૫ પૈસાનો વધારો કરી રહી છે.

home

You might also like