ત્રણ ઈજનેર સહિત ચાર સરકારી કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા

અમદાવાદ: રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવતા ત્રણ ઈજનેર સહિત ચાર સરકારી બાબુઓને લાંચ-રુશ્વત બ્યૂરોની ટીમે લાંચ લેતાં અાબાદ ઝડપી લઈ અા તમામ સામે ગુના દાખલ કરી અાગળની સઘન તપાસ શરૂ કરી છે.

અા અંગેની વિગત એવી છે કે કડી ખાતે જેટ્કોમાં જુનિયર ઈજનેર તરીકે ફરજ બજાવતા એ.અાઈ. મંડાલીએ કંપનીમાં કોન્ટ્રાક્ટથી ચાલતી ગાડીની લોગબુકમાં કલાકો નોંધવા માટે કડીના દેવાંગ બારોટ પાસે લાંચની માગણી કરી હતી. જે પૈકી નક્કી થયેલ રૂ. પાંચ હજારની રકમ સ્વીકારી ટેબલના ખાનામાં મૂકતા જ એસીબીએ અા જુનિયર એન્જિનિયરને અાબાદ ઝડપી લીધા હતા.
જ્યારે દિયોદર વીજ કચેરી ખાતે નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા બીએન ભાવસારે ભગાભાઈ બીજલભાઈ દેસાઈ નામના ખેડૂત પાસે બોરવેલનું વીજ કનેક્શન મેળવી અાપવા માટે રૂ. પાંચ હજારની લાંચની માગણી કરી હતી. અા રકમ સ્વીકારતા નાયબ ઈજનેર ભાવસારને એસીબીએ ઝડપી લીધા હતા, તથા અમરેલીની કુકાવાવ તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઈજનેર શ્રીરામ સોમાભાઈ સૌંદરવાએ ગામના ખેડૂત કરણભાઈ છગનભાઈ બારૈયા પાસે જેસીબીના ભાડાનું બિલ પાસ કરાવવા માટે રૂ. એક હજારની માગણી કરી અા રકમ સ્વીકારતાં પોલીસે તેમને ઝડપી લીધા હતા.

અા ઉપરાંત વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશનના એએસઅાઈ વી.એસ. ઓડકિયા પણ રૂ. એક હજારની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. અા તમામ વિરુદ્ધ ગુના દાખલ કરી અાગળની કાર્યવાહી શરૂ કરવામાં અાવી છે.

You might also like