ચાણસ્મા-પાટણ હાઇવે પર જીપે પલટી ખાતાં ત્રણ મુસાફરોનાં મોતઃ ૧૧ને ગંભીર ઇજા

અમદાવાદ: ચાણસ્મા-પાટણ હાઇવે પર મીઠી વાવડી પાસે મુસાફરોની ખીચોખીચ ભરેલી જીપ પલટી ખાઇ જતાં ત્રણ મુસાફરોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા જ્યારે ૧૧ મુસાફરને ગંભીર ઇજા થતા તમામને પાટણની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ અંગેની વિગત એવી છે કે, ચાણસ્મા-પાટણ હાઇવે પર મિઠી વાવડી ગામ પાસેથી ગઇકાલે બપોરે પસાર થઇ રહેલ મુસાફરો ભરેલી જીપનો ગુટકો નીકળી જતા ચાલક અહેમદ મન્સુરીએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા જીપ પલટી ખાઇ ગઇ હતી.

જીપે પલટી ખાતા જ મુસાફરોએ રડારોળ કરી મૂકી હતી. બૂમાબૂમ થતા આજુબાજુના ખેતરોમાં કામ કરતા ખેડૂતો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી બચાવ કામગીરી શરૂ કરી હતી.

આ અકસ્માતમાં જીપના ચાલક અહેમદ મન્સુરી, જીનલ ગાંડાભાઇ રબારી અને કલ્પેશજી બશાજી ઠાકોર નામની ત્રણ વ્યક્તિના ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે ૧૧ મુસાફરો ગંભીરપણે ઘવાયા હતા.

બનાવની જાણ થતા જ પોલીસે તાત્કાલીક આવી પહોંચી તમામ ઇજાગ્રસ્તોને ૧૦૮ મારફતે ધારપુર, મહેસાણા અને પાટણની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જેમાંથી ત્રણની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળે છે.
આ અકસ્માતના પગલે રોડ પરનો ટ્રાફિક બંને તરફ અટકી ગયો હતો. ટ્રાફિક જામ થતા જ વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. પોલીસે આ અંગે અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like