ઉત્તરાયણમાં બાળક સહિત ત્રણનાં મોતઃ પતંગની દોરીથી સંખ્યાબંધ પક્ષીઓ ઘાયલ થયાં મળ્યાં કોલ

અમદાવાદ: ગઇ કાલના ઉત્તરાયણના તહેવારમાં પતંગ ચગાવવા કે લૂંટવાની લહાયમાં ધાબા પરથી પડીને મોતને ભેટવાની ત્રણ ઘટના મ્યુનિસિપલ હોસ્પિટલમાં નોંધાઇ હતી. જેેમાં એક બાળકનો સમાવેશ થાય છે. જ્યારે ધાબા પરથી પડી જવાના, ઘાતક માંજાથી ગળા, કાન અને નાક સહિતના ભાગમાં નાની-મોટી ઇજાના અનેક કેસો નોંધાયા છે.

મ્યુનિસિપલ સંચાલિત વી.એસ. હોસ્પિટલમાં ગઇ કાલે બે મોતના કેસ ચોપડે નોંધાયા હતા. જેમાં શાહપુર વોર્ડના ઘીકાંટા વિસ્તારમાં રહેતા દેવર્ષ વાઘેલા નામના પાંચ વર્ષના બાળકનું ચોથા માળેથી નીચે પટકાતાં વી.એસ. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. બપોરે ત્રણ વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો.

જાવેદ ગુુલામખાન વહાબ નામના યુવકનું ગઇકાલે સવારે ૧૧થી બપોરના એક વાગ્યાની આસપાસ જુહાપુરામાં છાપરાંં પરથી પડી જતાંં મૃત્યુ થયું હતું. તે જુહાપુરાના તાહીબાગ રેસિડેન્સીનો રહેવાસી હતો. આ સાથે વી.એસ. હોસ્પિટલમાં કુલ ૩૦ કેસ નોંધાયા હતા. જેમાં ર૧ ઓપીડી કેસ તેમજ ૯ ઇન્ડોર પેશન્ટ હતા. તેમ આ હોસ્પિટલના આરએમઓ ડો. કુલદીપ જોશી જણાવે છે.

એલ.જી. હોસ્પિટલમાં મણિનગરના જવાહરચોકનાં સૂર્યનગર એપાર્ટમેન્ટમાં રહેતા અંકિત અશ્વિનભાઇ રાવલ નામના ર૯ વર્ષના યુવકનું સારવાર દરમ્યાન મોત થયું હતું. જોકે આ યુવકના મોતની વિગત પ્રારંભમાં એલ.જી. હોસ્પિટલે છુપાવી હતી.

પોલીસ સૂત્રો પાસેથી આ યુવકનાં મોતની પુષ્ટિ થતાં છેવટે એલ.જી. હોસ્પિટલના સત્તાવાળાઓએ તેનો સ્વીકાર કર્યો હતો. આ ઉપરાંત એલ.જી. હોસ્પિટલમાં કુલ ૬ર ઓપીડી કેસ નોંધાયા હતા. જેમાં ગળા કપાવાના ૧૭ કેસ, નાક અને આંગળીને ઇજા થવાના ર૦ કેસનો સમાવેશ થાય છે. જ્યારે શારદાબેન હોસ્પિટલમાં કુલ ર૬ ઓપીડી કેસ નોંધાયા હતા.

ઉત્તરાયણના સમગ્ર દિવસ દરમ્યાન કાગડા, સમડી, કબૂતર અને કાબર સહિત ૧૬ પક્ષી ઘવાયાના કોલ ફાયર બ્રિગેડને મળ્યા હતા. ગઇકાલે એક જ દિવસમાં ૧૦૮ ઇમર્જન્સી સેવાને ૬૧૮ કોલ મળ્યા હતા. જેમાં સૌથી વધુ ૧૧૮ કેસો ટુ વ્હીલર એકસિડન્ટના અને ૪૧ કેસ ઊંચેથી પડી જવાના હતા. જોકે મારામારીના કારણે ઇજા પામ્યા હોય તેવા પણ ૪૪ કેસ ૧૦૮ ઇમર્જન્સી સેવાને મળ્યા હતા. ગઇકાલે શહેરમાં ધાબા પરથી પડી જવાના કારણે ૪૪ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થઇ હતી. રાજ્યભરમાંથી ૧૦૮ ઇમર્જન્સી સેવાને ૩પર૭ કોલ મળ્યા હતા.

ધાબા ઉપર તાપ અને હાઇટ પર બેસી રહેવાના કારણે ૩૭ ચેસ્ટપેઇનના કેસ નોંધાયા હતા. જોકે ગત વર્ષની તુલનાએ ૧૦૮ ઇમર્જન્સી સેવાને ૧૦ ટકા કોલ્સ ઓછા મળ્યા હતા.

શહેરમાં પતંગની મજા પક્ષીઓ માટે સજા બની હતી. ૯૦ થી વધુ પક્ષીઓ ગઇકાલે ઘાયલ થયાં હતાં. કાતિલ માંજાવાળી દોરીથી અને પક્ષી ઘાયલ થયાં હતાં તો તેમાંથી કેટલાંક પક્ષી મોતને શરણ થયાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જેમાં સૌથી વધુ પક્ષીઓ ઘાયલ થયાં હોય તેવા વિસ્તારોમાં શાહઆલમ, ખાડિયા, નારણપુરા, ગોમતીપુર, ચાંદખેડા અને જુહાપુરાનો સમાવેશ થાય છે.

પક્ષીઓને બચાવવા માટેના ફાયર બ્રિગેડને ૧પ થી વધુ કોલ મળ્યા હતા. ઘાયલ પક્ષીઓમાં સમડી, કબૂતર, બાજ, ઢેલ જેવાં પક્ષીઓનો સમાવેશ થાય છે. જીવ દયા પ્રેમીઓએ પણ ઘાયલ પક્ષીઓની સારવાર કરી હતી.

You might also like