UPમાં અનાજ દળવાની ઘંટી ફાટતાં બાળક સહિત ત્રણનાં મોતઃ છને ઈજા

એટા: ઉત્તર પ્રદેશના એટાના ઝિનવારી ગામમાં અનાજ દળવાની ઘંટી ફાટતાં એક ૧૦ વર્ષના બાળક સહિત ત્રણ વ્યકિતનાં મોત થયાં છે. જ્યારે આ દર્દનાક ઘટનામાં અન્ય છ લોકોને ગંભીર ઈજા થતાં આ ગામમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
બનાવની જાણ થતા ઘટનાસ્થળે દોડી ગયેલી પોલીસે મૃતદેહોને પી.એમ. માટે મોકલી આપ્યા હતા.

જ્યારે ઘવાયેલાઓને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. આ ઘટનાની વિગતો એવી છે કે ગામના રહીશ મુવિન પાસે ટ્રેકટરથી ચાલતી અનાજ દળવાની ઘંટી છે. ગઈ કાલે મુવિનનો પુત્ર કરૂખાન આ ઘંટી ચલાવી રહ્યો હતો ત્યારે અચાનક જ આ ઘંટી ફાટતાં તેની ચપેટમાં આવી ગયેલાં ૧૦ વર્ષના બાળક અનકેશ પપ્પુ ઉર્ફે ભૂરે, કૃષ્ણાદેવી(ઉ.વ. ૫૫) અને બબલુ ભરતસિંહ(ઉ.વ. ૨૮) (તમામ રહે. ઝિનવારી) ના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. આ બનાવથી ગામમાં ભારે દોડધામ મચી જવા પામી હતી.બાદમાં આ અંગે પોલીસને જાણ થતાં તમામ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

આ દર્દનાક ઘટનાથી બનાવ સ્થળે ગામનાં અનેક લોકો એકત્ર થઈ ગયા હતા. અને આ ઘટનામાં માર્યા ગયેલા લોકો અને ઘવાયેલા અન્ય છ લોકોને સારવાર માટે ખસેડવાની કામગીરી કરી હતી. બનાવથી ગામમાં ભારે અરેરાટી અને શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.

પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આ ઘટના કેવી રીતે બની તેનાં કારણો જાણવા માટે હાલ ઘંટીના માલિકની પણ પૂછપરછ હાથ ધરી છે. તેથી તેની વિગતો બહાર આવ્યા બાદ આ ઘટના કેવી રીતે બની હતી તે જાણવા મળશે.

You might also like