ત્રણ ચેઈન સ્નેચર ચેઈન-બુટ્ટી ખેંચી ભાગ્યાઃ એક પકડાઈ ગયો

અમદાવાદ: શહેરમાં દિન પ્રતિદિન ચેઇન સ્નેચિંગના બનાવો ઉત્તરોતર વધતા ચેઇન સ્નેચરોને પકડવા માટે પોલીસ એડી ચોટીનું જોર લગાવી રહી છે. ચેઇન સ્નેચરો પહેલાં બેખૌફ થઇને મહિલાઓ ગળામાંથી ચેઇન ખેંચીને જતા હતા હવે તેમની હિંમત એટલી વધી ગઇ છેકે મહિલાની કાનમાં પહેલી બુટ્ટીઓ પણ ખેંચવાનું શરૂ કર્યું છે. બાપુનગર વિસ્તારમાં બાઇક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ એક મહિલાના ગળામાંથી ચેઇન અને કાનમાંથી બુટ્ટી ખેંચીને ભાગી ગયા હતા. જોકે પોલીસે સમયસર તેમનો પીછો કરતાં ત્રણ આરોપીઓ પૈકી એક આરોપી ઝડપી પાડ્યો છે.

નિકોલ વિસ્તારમાં આવેલ મૂળજીભાઇની ચાલીમાં રહેતી ૩૫ વર્ષિય મીનાદેવી ચૌહાણે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચરો વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. ગઇ કાલે મીનીદેવીના પતિ ધીરસીંગ ચૌહાણને જયપુર જવાનું હોવાથી મેમ્કો બસ સ્ટેન્ડ ખાતે મુકવા માટે ગઇ હતી.

સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ મીનાદેવી પતિને મૂકીને ઘરે પરત ફરતી હતી ત્યારે બાપુનગર વિસ્તારમાં આવેલ ખોડિયારનગર પાસે બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ તેના ગળામાંથી સોનાની ચેઇન તેમજ કાનમાં પહેલી ઝુમ્મર વાળી બુટ્ટી ખેંચીને ફરાર થઇ ગયા હતા. મીનાદેવીએ બુમાબુમ કરતાં પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને ચેઇન સ્નચરોનો પીછો કર્યો હતો. જેમાં પોલીસે ત્રણ ચેઇન સ્નેચરો પૈકી એક ચેઇન સ્નેચરને રંગે હાથ ઝડપી લીધો હતો.

પોલીસે તેની પૂછપરછ કરતાં તેનું નામ મૂલચંદ ઉકારામ શાંખલા (રહે રાજાવીર સર્કલ, ઝુલેલાલ મંદિરની બાજુમાં કુબેરનગર) હોવાનું સામે આવ્યું હતું. ત્યારે ફરાર બે આરોપીના નામ જિતુ ઉર્ફે ટાટુ અને રવિ હોવાનું ખૂલ્યુ હતું. પોલીસે ત્રણેય વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને ફરાર બે આરોપીઓને પકડવા માટે ચક્ર ગતિમાન કર્યાં છે.
http://sambhaavnews.com/

You might also like