પાટણ-ડીસા હાઇવે પર બે કાર વચ્ચે અકસ્માતમાં ત્રણનાં મોત

અમદાવાદ: રાજ્યમાં થયેલા બે અલગ અલગ અકસ્માતમાં કુલ પાંચનાં મોત નીપજ્યાં છે. રાજકોટ-આટકોટ હાઇવે પર ગોંડલ ચોકડી પાસે અજાણ્યા વાહનની અડફેટે બાઇકસવાર મોતનાં મોત નીપજ્યાં છે જ્યારે પાટણ-ડીસા હાઇવે પર વાગડોદ ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માતમાં ત્રણનાં મોત થયાં છે.

પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.  મળતી માહિતી મુજબ રાજકોટ-આટકોટ હાઇવે પર ગોંડલ ચૉકડી પાસે ગઈ કાલે સાંજે અજાણ્યા વાહને બાઇકસવાર દંપતીને અડફેટે લેતાં તેમનાં ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું.

રાજકોટ એસટી કચેરીમાં ફરજ બજાવતા છગનભાઇ લઘુભાઈ સરિયા (કોળી ) (રહે. લાખાવડ, તા. જસદણ) લાખાવડમાં પોતાની ખેતીવાડી હોઇ છગનભાઇ અને તેમની પત્ની લાખાવડથી રાજકોટ બાઈક લઈને આવતા હતા.

ગોંડલ ચોકડી પાસે પહોંચ્યા ત્યારે છગનભાઈના બાઈકને પાછળથી કોઈ અજાણ્યા વાહને અડફેટે લીધું હતું. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત દંપતીનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. અકસ્માતની જાણ થતાં આટકોટ પીએસઆઈની ટીમે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ શરૂ કરી હતી.

આ ઉપરાંત પાટણ-ડીસા હાઇવે પર વાગડોદ ગામ નજીક તવેરા અને મારુતિકાર સામસામે ટકરાતાં સર્જાયેલા અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઘવાતાં બે યુવાનોનાં ઘટનાસ્થળે જ્યારે એકનું સારવાર દરમિયાન ધારપુર સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું.

વીસનગરના ખરવડા ગામના ઠાકોર જીવણજી તેમના મિત્ર બળવંતજી વીરચંદજી ઠાકોર સાથે સરસ્વતીના અઘાર ગામના ઠાકોર બળવંતજી નાગજીજીના ઘરે ગયા હતા.

કાર લઈને વદાણી ખાતે હોટલમાં ત્રણેય જણા જમવા માટે ગયા હતા. જમીને તેઓ ઘર તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે વાગડોદ નજીક સામેથી આવી રહેલ તવેરા સાથે અકસ્માત થતાં ત્રણેય જણા ઘવાયા હતા.

ઠાકોર બળવંતજી નાગજીજી (અઘાર) અને ઠાકોર જીવણજી રણછોડજી (ખરવડા )નાં ઘટનાસ્થળે મોત થયાં હતાં. જ્યારે ભરતજી વીરચંદજી ઠાકોરને ધારપુર ખસેડાતાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. તવેરા ચાલક ત્યાંથી નાસી ગયો હતો. પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.

અમદાવાદ જિલ્લાના ધોળકા હાઇવે પર અજાણ્યા વાહનની અડફેટે બાઇકસવારનું મૃત્યુ નીપજ્યું છે. મોડી રાત્રે બાઇકચાલક હાઇવે પર પસાર થતો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

You might also like