કૃષ્ણનગરની દુકાનમાં ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતા ત્રણ ઝડપાયા

અમદાવાદ: શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ એક કોમ્પ્લેક્સ દુકાનમાં ચાલતા ઇન્ટરનેશનલ કોલ સેન્ટરના કૌભાંડનો પર્દાફાશ કરતાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. વિદેશી નાગરિકોની લીડ મેળવીને તેમને લોન આપવાની લાલચ આપીને ત્રણેય ઠગાઇ કરતા હતા.

કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.પી.મારુ અને તેમની ટીમને બાતમી મળી હતી કે નેશનલ હાઇવે નંબર-૮ પર આવેલ વલ્લભ કોમ્પ્લેક્સના પહેલા માળે રાધે સોલ્યુશન નામની દુકાનમાં ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચાલી રહ્યું છે.

પોલીસે ટીમ તૈયાર કરીને કાલે મોડી રાતે દરોડા પાડ્યા હતા. જેમાં દુકાનમાં ત્રણ યુવકો એક લેપટોપ પર કામ કરી રહ્યા હતા. પોલીસે ત્રણેય જણાની અટકાયત કરીને પૂછપરછ કરતા તેઓ કોલ સેન્ટર ચલાવતા હોવાનું કબૂલ્યું હતું.

ત્રણેય અમેરિકન ગ્રાહકોની માહિતી મેળવતા હતા. પોલીસે લેપટોપ ચેક કરતાં વિદેશી નાગરિકોની ૧૦૦ થી ૧૫૦ જેટલી લીડ મળી હતી.

ત્રણેય લીડના આધારે વિદેશી નાગરિકોને કોલ કરતા હતા અથવા તો કોલ ના લાગે તો વોઇસ મેસેજ, ટેક્સ મેસેજ અને ઇ-મેઇલ કરતા હતા. વિદેશી નાગરિકોને કોલ કરીને તેમને લોન આપવાની લાલચ આપીને ઠગાઇ કરતા હોવાની કબૂલાત કરતાં ત્રણેય યુવકોની ધરપકડ કરી છે. ત્રણેય પૈકી મુખ્ય સુત્રધાર હિતેશ બાલુભાઇ ભીમાણી છે જ્યારે બીજા બે હિરેન પટેલ અને રાજેન્દ્રસિંહ વાધેલા છે.

You might also like