આઈએસના ૩ આતંકવાદી ૧૦ દિનની કસ્ટડીમાં રહેશે

નવી દિલ્હી: આઈએસ સાથે સાંઠગાંઠ ધરાવવા બદલ યુએઇમાંથી હાલમાં દેશનિકાલ કરીને ભારત લાવવામાં આવેલા ત્રણ ત્રાસવાદી શકમંદોને આજે એનઆઈએની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. દિલ્હી કોર્ટ દ્વારા એનઆઈએની કસ્ટડીમાં ૧૦ દિવસ માટે મોકલી દેવામાં આવ્યા હતા. શેખ અઝહર ઇસ્લામ, મોહમ્મદ ફરહાન શેખ અને અદનાન હુસૈનને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. માસ્ક સાથે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જિલ્લા જજ અમરનાથે બંધબારણે સુનાવણી યોજી હતી. ત્યારબાદ એનઆઈએની કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ કરાયો હતો. તેમની કસ્ટડીની અવધિ પૂરી થયા બાદ આજે તેમને કોર્ટમાં ઉપસ્થિત કરવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ એનઆઈએ દ્વારા ૧૨ દિવસ માટે ત્રણેય આરોપીઓની પોલીસ રિમાન્ડની માંગ કરી હતી અને કહ્યું હતું કે, તેમની આકરી પૂછપરછની જરૃર છે. ભારત અને વિદેશમાં આઈએસના ખતરનાક ઇરાદા અને તેના કાવતરાનો પર્દાફાશ કરવા માટે વધારે પૂછપરછની જરૃર દેખાઈ રહી છે. પૂછપરછ દરમિયાન આ આરોપીઓએ કહ્યું હતું કે, તેઓ આઈએસના સક્રિય સમર્થકો હતા. સાથે સાથે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને આઈએસના સભ્યોના સંપર્કમાં આવ્યા હતા. તેમના ટેલિફોન અને અન્ય નંબરો લેવામાં આવ્યા હતા. રિમાન્ડ અરજીમાં એનઆઈએ દ્વારા કેટલીક મહત્વની વાત કરવામાં આવી હતી. સંસ્થાએ વધુમાં કહ્યું હતું કે, કસ્ટોડિયલ પૂછપરછ તમામ આરોપીઓને ખુબ જરૃરી છે. કારણ કે, આઈએસના ખતરનાક ઇરાદાને જાણવા માટે આ માહિતી જરૃરી બની છે. આ ગાળા દરમિયાન આરોપીઓની કસ્ટોડિયલ પુછપરછથી ચોંકાવનારી વિગત પહેલા પણ આવી ચુકી છે.

You might also like