ઓડિશા-આંધ્ર અને તામિલનાડુ પર ‘પેથાઈ’ ચક્રવાતનો ખતરોઃ હાઈ એલર્ટ જારી કરાયું

ચેન્નઇ: છેલ્લા બે મહિનામાં ગાજા અને તીતલી વાવાઝોડા ટકરાયા બાદ હવે દેશના ત્રણ રાજ્ય ઓડિશા, આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાં એક વધુ ચક્રવાતી તોફાન પૂર્વીય તટ પર દસ્તક દઇ રહ્યું છે. આ ચક્રવાતી તોફાન ‘પેથાઇ’ દેશના દ‌િક્ષણ પૂર્વીય તટ પર આગામી ૩૬ કલાકમાં ત્રાટકી શકે છે. આ ખતરાને ધ્યાનમાં લઇને ઓડિશા, આંધ્રપ્રદેશ અને તામિલનાડુને હાઇ એલર્ટ જારી કરાયું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળના અખાતમાં દબાણ હળવું થતાં શનિવારે તે ચક્રવાતી તોફાનનુું સ્વરૂપ લઇ શકે છે અને આગામી ૩૬ કલાકમાં સમુદ્ર કિનારે ટકરાઇ શકે છે. અ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પેથાઇ ચક્રવાત ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને ૧૭ ડિસેમ્બરે ઓંગલ અને કાતીનાડાના સમુદ્રકાંઠે ટકરાઇ શકે છે.

આ ચક્રવાત ત્યાંથી ઉત્તર તામિલનાડુ તરફ પશ્ચિમની બાજુ આગળ વધી શકે છે. હવામાન વિભાગે હાઇ એલર્ટ જારી કરીને માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે. બંગાળના અખાતમાં કેન્દ્રીત થયેલ આ ચક્રવાતને કારણે વાદળો છવાઇ ગયા છે. આ સાથે જ ઉત્તર તરફથી આવી રહેલ હિમાળા પવનોને કારણે ઠંડીમાં વધારો થયો છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ‘પેથાઇ’ ચક્રવાત ત્રાટકતાં પહેલાં સમુદ્રકાંઠાના વિસ્તારોમાં પ્રતિકલાક ૧૩ કિ.મી.ની ઝડપે પવન ફંુકાશે. આ દરમિયાન વરસાદ થવાની પણ શકયતા છે. ‘પેથાઇ’ ચક્રવાતની અસર ત્રણ રાજ્યો ઉપરાંત પડોશી દેશ શ્રીલંકામાં પણ વર્તાશે. ત્રણેય રાજ્યોમાં શનિ અને રવિવારે ભારે વરસાદ થવાની શકયતા છે.

આ અગાઉ ચક્રવાતી તોફાન ગાજા અને તીતલીએ તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારે તબાહી મચાવી હતી અને તેના કારણે ૪પ લોકોના મોત થયા હતા. આ વાવાઝોડાના કારણે ૧.૧૭ લાખ ઘર ધરાશાયી થઇ ગયા હતા. ગાજા ચક્રવાત તામિલનાડુમાં ટકરાયા બાદ ૧૦૦થી ૧ર૦‌ કિ.મી.ની ઝડપે વાવાઝોડું ફુંકાયું હતું.

આ ચક્રવાતને કારણે કેટલાય વિસ્તારોમાં ૩થી ૮ સે.મી. જેટલો વરસાદ થયો હતો. જ્યારે ઓકટોબરમાં તીતલી વાવાઝોડાએ ઓરિસ્સામાં ભારે તારાજી અને તબાહી સર્જી હતી, જેના કારણે પ૭ લોકોના મોત થયા હતા.

You might also like