પાક વીમાની રકમ ન ચૂકવાતા 56 ખેડૂતોએ આપી આત્મવિલોપનની ચીમકી

રાજકોટઃ શહેરનાં જેતપુરમાં આવેલ SBI બેંક દ્વારા પાક વીમાની રકમ ન ચૂકવવામાં આવતા 56 જેટલાં ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. જેતપુરનાં 6 ગામોનાં 56 ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. આત્મવિલોપનની ચીમકી સાથે ખેડૂતો તાલુકા પોલીસ સ્ટેશને પહોંચ્યાં હતાં. મહત્વનું છે કે, SBIને 123 જેટલાં ખેડૂતોને દોઢ કરોડ જેટલી રકમ ચૂકવવાની બાકી છે. વર્ષ 2016-17માં મંજૂર થયેલી વીમાની રકમ ન ચૂકવામાં આવતાં ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવાં મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતનાં ખેડૂતોની હાલમાં માઠી દશા ચાલી રહી છે. કેમ કે એક બાજુ અપૂરતો વરસાદ ને તેને લઇને પાક નિષ્ફળ જવાની ભીતિ સાથે જગતનો તાત સંતાપ સાથે આપઘાતનાં પગલાં ભરી રહ્યો છે. તો બીજી બાજુ પાક વીમાની રકમ આપવામાં વીમા કંપનીઓ અને બેંકો દ્વારા ચૂકવણું કરવામાં વિલંબ કરવામાં આવતા ખેડૂતોમાં હાલમાં સતત ઉગ્ર રોષ જોવાં મળી રહ્યો છે.

જેથી આ મામલે રાજકોટ જિલ્લાનાં જેતપુર તાલુકાનાં 6 ગામોનાં 56 જેટલાં ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા વહિવટી તંત્રમાં ભારે ભાગદોડ મચી જવા પામી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ખેડૂતોનાં પાક વીમાની રકમ મામલે શુક્રવારે એક ખેડૂતે આત્મવિલોપનની ચીમકી આપતા પોલીસે કરેલી અટકાયત બાદ ખેડૂતોએ હવે સામૂહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.

You might also like