અમૂલ ડેરીમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાની ધમકી મળતાં ભારે દોડધામ

અમદાવાદ: આણંદની સુવિખ્યાત અમૂલ ડેરીમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાની ધમકી ભર્યો પત્ર મળતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. જોકે પૂરતી ચકાસણી બાદ કોઇ વાંધાજનક ચીજવસ્તુ કે પદાર્થ ન મળી આવતાં પોલીસે નિરાંતનો દમ લીધો હતો.

છેલ્લા કેટલાક વખતથી ગુજરાતના જાણીતા સ્થળો, સ્કૂલો, ટ્રેન, કોલેજો અને મંદિરોને બોમ્બ મૂકી ઉડાડી મૂકવાની ધમકીભર્યા પત્રોનો મારો ચાલી રહ્યો છે. સઘન તપાસ બાદ પોલીસે આ પ્રકારના ધમકીભર્યા પત્રો લખી દહેશત ફેલાવનાર વડોદરાના શ્રેયસ ગાંધી નામના શખ્સની ધરપકડ કરી છે, પરંતુ હજુ પણ ધમકીભર્યા પત્રોનો મારો ચાલુ રહેતા પોલીસ તંત્ર હાલાકીમાં મુકાઇ ગયું છે.

તાજેતરમાં આણંદની વિશ્વ વિખ્યાત અમૂલ ડેરીમાં બોમ્બ મૂકયો હોવાનો આણંદના રેલવે સ્ટેશન માસ્તરને એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો. આ અંગે તાત્કા‌િલક પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસના ધાડે ધાડાં અમૂલ ડેરી પર ઊતરી આવ્યાં હતાં અને ડોગ સ્કવોડ તેમજ બોમ્બ સ્કવોડ દ્વારા ડેરીના ખૂણેખૂણામાં સઘન ચકાસણી શરૂ કરાઇ હતી, પરંતુ કોઇ વાંધાજનક વસ્તુ ન મળતાં પોલીસે હાશકારો અનુભવ્યો હતો.

You might also like