પર્યાવરણના નામે નવું તૂતઃ કાંકરિયાના હજારો સહેલાણીઓ પરેશાન થશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા આવતી કાલ તા.પ જૂન, ર૦૧૮ના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અાબાલવૃદ્ધોના માનીતા કાંકરિયા લેેકફ્રન્ટ અને ઝૂમાં પ્લાસ્ટિકની પાણીની બોટલ લઇ જવા પર પ્રતિબંધ મૂકવાની વિચારણા હાથ ધરાઇ છે. જે પ્રકારે દરરોજના સરેરાશ ૧પથી ર૦ હજાર સહેલાણીઓ કાંકરિયા લેકફ્રન્ટની મુલાકાત લે છે તેને જોતાં તંત્રનો આ પ્રકારનો સંભવિત નિર્ણય સહેલાણીઓ માટે તઘલખી નિર્ણય પુરવાર થઇ શકે છે.

છેક ગત તા.૧ જાન્યુઆરી, ર૦૦૯થી કાંકરિયા લેકફ્રન્ટને કરોડો રૂપિયાના ખર્ચે અત્યાધુનિક રંગરૂપ અાપીને શહેરીજનો માટે વિધિવત્ ખુલ્લું મુકાયું હતું. તે પહેલાં ગત તા.રપથી ૩૧ ડિસેમ્બર, ર૦૦૮ સુધી ભવ્ય કાંકરિયા કાર્નિવલનું આયોજન કરાયું હતું. ત્યારબાદથી સતત દર વર્ષે તા.રપથી ૩૧ ડિસેમ્બર સુધી રંગારંગ કાર્યક્રમોથી ભરપૂર કાંકરિયા કાર્નિવલ યોજાઇ રહ્યો છે. કાંકરિયા લેકફ્રન્ટને નિહાળવા પર રાજ્યમાંથી સેંકડો લોકો આવે છે.

કાંકરિયા લેકફ્રન્ટ આશરે ર.રપ કિ.મી.ના ગોળ ઘેરાવામાં ફેલાયેલો છે. આટલા ‌વિશાળ કાંકરિયા લેકમાં સહેલાણીઓ માટે પ્લાસ્ટિકની બોટલ લઇ જવા પર પ્રતિબંધ મૂકવાની વિચારણાએ નવો વિવાદ ઊભો કર્યો છે. કાંકરિયા લેકફ્રન્ટ અને જૂના ઝૂમાં આવતી કાલના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પાણીનાં પાઉચ, પ્લાસ્ટિકના ઝભલા અને પ્લાસ્ટિકની થેલી ઉપરાંત પ્લાસ્ટિકની બોટલ લઇ જવા પર પૂર્ણ પ્રતિબંધ મૂકવાની દિશામાં ગંભીરતાથી વિચારણા હાથ ધરી છે.

સિકયોરિટી ગાર્ડ દ્વારા આવી વસ્તુઓની ચકાસણી કરી જપ્ત કરી લેવાનો આદેશ પણ કાંકરિયા લેકફ્રન્ટના અધિકારીઓને અપાઇ ગયો છે, પરંતુ આનાથી ઉનાળાની ગરમીના દિવસોમાં ભૂલકાંઓ સાથે આવેલા સેંકડો સહેલાણીઓ ભારે મુશ્કેલીમાં મુકાઇ જશે.

અત્યારે સિકયોરિટી ગાર્ડ દ્વારા દરરોજ સહેલાણીઓ પાસેથી એક કિલો માવા-મસાલાની પડીકીઓ જપ્ત કરાતી હોઇ આવતી કાલથી પ્લાસ્ટિકની પાણીની બોટલ, પાણીના પાઉચ વગેરે પણ જપ્ત કરાશે. સહેલાણીઓએ પોતાના ભૂલકાંઓની તરસ છીપાવવા વોટરબેગ લાવવી ફરજિયાત બનશે.

અમદાવાદમાં દરરોજ લાખોની સંખ્યામાં પાણીનાં પાઉચ વેચાઇ રહ્યાં છે. પાણીનાં પાઉચમાં બેરોકટોકપણે લેભાગુ ધંધાર્થીઓ શુદ્ધ પાણીના નામે અશુદ્ધ પાણી પેક કરીને વેચી રહ્યા છે. મ્યુનિસિપલ હેલ્થ વિભાગ હપ્તાખોરીમાં રચ્યોપચ્યો હોઇ પાણીનાં પાઉચના ધંધાર્થીઓ સામે સિફતપૂર્વક આંખ આડા કાન કરે છે.

શહેરભરની શાકમાર્કેટ અને ફ્રૂટ માર્કેટ કે કરિયાણા અને ડેરીની દુકાનોમાં ખુલ્લેઆમ ૪૦ માઇક્રોનથી પાતળી પ્લાસ્ટિકની ઝભલા થેલીનો ઉપયોગ થઇ રહ્યો છે, પરંતુ હેલ્થ વિભાગ દ્વારા સમગ્ર વર્ષભર ઝભલા થેલીના ઉત્પાદકો સામે કોઇ શિક્ષાત્મક પગલાં લેવાતાં નથી.

શાક માર્કેટને પ્લાસ્ટિક મુકત કરવા માટે પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ કાગળ અથવા કાપડની થેલીનો ઉપયોગ કરવા માટે કહેવાતું જનજાગૃતિ અભિયાન છેવટે કાગળ પર જ રહે છે. પાનના ગલ્લા પર માવો-મસાલો બનાવવા માટે વપરાતા પાતળા પ્લાસ્ટિક અને ચાની લારી ઉપર ચા-કોફી માટે વપરાતા પ્લાસ્ટિકના કપને હેલ્પ વિભાગ અટકાવી શકયું નથી. આવી વસ્તુઓનો ઉપયોગ કરીને જાહેર રસ્તા પર ખુલ્લામાં ફેંકી દેવામાં આવે છે. તંત્ર પ્રદૂષણ ફેલાવતી આવી વસ્તુુઓને અટકાવી શકતું નથી અને એક અથવા બીજા પ્રકારનાં ગતકડાં કરી રહ્યું છે.

કાંકરિયા લેકફ્રન્ટ ખાતે સહેલાણીઅો માટે માત્ર વ્યાયામશાળા, કિડ્સસિટી, બાલવાટિકા, બલુનસવારી અને ઝૂમાં બે સ્થળ મળીને કુલ છ સ્થળે વોટર કૂલરની વ્યવસ્થા છે, જે રોજના હજારો સહેલાણીઓ માટે અપૂરતી છે. આ ઉપરાંત વોટર કૂલરના સ્થળે ગંદકી રહેતી હોઇ બાળકોના આરોગ્ય સામે પ્રશ્ન સર્જાશે.

દરમિયાન અા અંગે કાંકરિયા લેકફ્રન્ટના આસિસ્ટન્ટ મેનેજર ચિરાગ પટેલને પૂછતાં તેઓ કહે છે કે તંત્ર દ્વારા કાંકરિયા લેકફ્રન્ટમાં પાણીની બોટલ, પાણીનાં પાઉચ અને પ્લાસ્ટિકની ઝભલા થેલી લઇ જવા પર પ્રતિબંધ મૂકવાની વિચારણા ચાલી રહી છે. જો આ વિચારણા અમલમાં મુકાશે તો તંત્ર સહેલાણીઓ માટે વધુ સ્થળે વોટર કૂલર મૂકવાની વ્યવસ્થા કરશે.

You might also like