મેમુ ટ્રેન વટવાથી દોડાવાતાં હજારો મુુસાફરોની રઝળપાટ વધી

શહેરના કાલુપુર રેલવે સ્ટેશનને હેરિટેજ લુક આપવા સહિત અનેક પ્રકારના નવીનીકરણનું કામ ચાલી રહ્યું હોવાના કારણે મોટા ભાગની ટ્રેનનું અન્ય સ્ટેશન પરથી સંચાલન કરવાની ફરજ પડતાં હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.

તાજેતરમાં પ્લેટફોર્મ નં. ૮ પર ડ્રેનેજ સહિતની કામગીરી ચાલી રહી હોવાના કારણે અમદાવાદથી આણંદ, નડીઆદ, વડોદરા, સુરત સુધી જતી તમામ મેમુ ટ્રેન હવે વટવાથી સંચાલિત કરાઇ રહી છે, જેના કારણે મણિનગર કે અમદાવાદ કામધંધા અર્થે કે નોકરીએ આવતા હજારો મુસાફરોને મુશ્કેલી પડે છે.

તમામ મેમુ ટ્રેન વટવાથી ઉપડીને પરત વટવા સ્ટેશને આવે છે, જેના કારણે મુસાફરોને વટવા રેલવે સ્ટેશનથી મણિનગર કે અમદાવાદ આવવા માટે ટ્રેનનાં ભાડાં કરતાં પણ વધુ રિક્ષાભાડું ખર્ચવું ફરજિયાત બન્યું છે. સમયસર કામધંધાના સ્થળે પહોંચવા ઇચ્છતા યાત્રીઓને લોકલ બસ સેવા મેળવવાનો સમય પૂરતો ન હોઇ ફરજિયાત રિક્ષા કરવી પડે છે, જેનો રિક્ષાવાળાઓ પણ ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છે.

દરરોજ મેમુ ટ્રેનમાં અંદાજે ર,૦૦૦ કરતાં પણ વધારે નોકરી-ધંધાર્થે લોકો અપડાઉન કરે છે. હાલમાં ઉનાળુ વેકેશન, લગ્નસરાની સિઝન ચાલી રહી હોવાના કારણે મેમુ ટ્રેનના પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. દરરોજ સુરત સુધી દોડતી મેમુ ટ્રેનનાં શેડ્યૂલ ખોરવાઇ ગયાં છે. મુસાફરો ટ્રેન કાલુપુર રેલવે સ્ટેશનથી જ સંચાલિત થાય તેવી રજૂઆતો કરી રહ્યા છે. એક મુસાફરના જણાવ્યા અનુસાર વટવા રેલવે સ્ટેશન પર ટ્રેનના તમામ મુસાફરોને સમાવવાની કોઇ ક્ષમતા નથી, જેથી મુસાફરોને ફરજિયાત આકરા તાપમાં શેકાવું પડે છે.

You might also like