હજારો સરકારી કર્મીઓના LTC પ્રવાસ રદ થયા

અમદાવાદ: અમદાવાદ સહિતની છ મનપા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ૨૨ નવેમ્બરે યોજાનારી ચૂંટણીઓને પગલે હજારોની સંખ્યામાં સરકારી કર્મચારીઓની રજા ચૂંટણી ફરજ અર્થે રદ થતાં તેમણે એલસટીસી પ્રવાસ રદ કરવા પડ્યા છે. પરંતુ જેમણે લો કોસ્ટ એરલાઈન્સમાં છ માસ પહેલા બુકિંગ કરાવી લીધું હતું તેમણે એક પણ રૂપિયાનું રિફંડ પાછું નહીં મળવાની મુશ્કેલી ભોગવવી પડી છે. કારણે કે લો કોસ્ટ એરલાઈન્સમાં ઓછા દરની ટિકિટ છ માસ પહેલા ખરીદી હોય તો નોન રિફંડેબલની શરત લખેલી હોય છે. ચૂંટણી અંગેની હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં રહેલી સબ જ્યુડિસ મેટરના કારણે મોટાભાગના સરકારી કર્મીઓને દિવાળી વેકેશનમાં એલટીસી પ્રવાસ કરી શકાશે તેવી ધારણા હતી. અને ચૂંટણી હવે મોડી જ યોજાશે તેવી ગણતરીના પગલે છેલ્લે છેલ્લે મોટાભાગના સરકારી કર્મીઓએ પ્રવાસના પેકેજ, રેલ ટિકિટો, હોટલ બુકિંગ કરાવી લીધાં હતાં.
પરંતુ ચૂંટણીઓ પાછી ઠેલાવાને બદલે સમયસર યોજાતાં જાહેરનામું બહાર પાડવાની સાથે આચારસંહિતના મુદ્દે સરકારી કર્મીઓની રજા ચૂંટણી ફરજના કારણે રદ કરાવી છે એટલે મોટાભાગના સરકારી કર્મીઓએ તેમના એલટીસી પ્રવાસ કેન્સલ કરાવ્યા છે.

રેલવેના બુકિંગમાં કન્ફર્મ ટિકિટમાં રિફંડમાં કપાતા રૂપિયા કે ટ્રાવેલ્સ એજન્ટ તરફથી પણ ૧૦૦ ટકા રિફંડ નહીં મળવાના કારણે તેમની હાલત કફોડી બની છે. શાળાઓના શિક્ષકો, પ્રોફેસરો, બોર્ડ નિગમના કર્મચારીઓ વિ.એ ૩૦થી વધુ ટકા કર્મીઓએ બુકિંગ કેન્સર કરાવ્યા છે. કેટલાક ટૂર ઓપરેટરોએ પૈસા કાઢ્યા વગર બુકિંગ કેન્સલ કર્યાં હોવાનું જાણવા મળે છે.

You might also like