હિતરુચિવિજયજી મહારાજ સાહેબની પાલખીયાત્રામાં હજારો ભાવિકો જોડાયા

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ: સુવિશાલ ગચ્છાધિપતિ દીક્ષાયુગપ્રવકતા આચાર્ય ભગવંત શ્રીમંત વિજયરામચંદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબના અંતિમ શિષ્ય મુનિરાજ હિત રુચિવિજયજી મહારાજ સાહેબ ગઈ કાલે કાળધર્મ પામ્યા છે. તેઓ ૫૮ વર્ષના હતા. સવારે તેમની પાલખી યાત્રા પૂર્વે ઉછામણી થઈ હતી.

ત્યાર બાદ મુનિરાજ હિતરુચિવિજયજીની પાલખી યાત્રા સવારે પાલડીથી સુવિધા વસંતકુંજ, ધરણીધર અન્નપૂર્ણ હોલ, પંચતીર્થ થઈને વી.એસ. પહોંચી હતી. જેમાં હજારોની સંખ્યામાં જૈન ભાઈઓ અને બહેનો જોડાયા હતા. તેમના અંતિમ દર્શન માટે મહારાષ્ટ્ર, રાજસ્થાન, તામિલનાડુ અને એન્ટવર્કથી પણ શ્રાવકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

છેલ્લા કેટલાક સમયથી તેઓ નાદુરસ્ત સ્વાસ્થ્ય ધરાવતા હતા. ગઈ કાલે સાંજે એક ખાનગી હોસ્પિટલમાં તેમને દાખલ કરાયા હતા. જ્યાં સમાધિપૂર્વક તેઓ કાળધર્મ પામ્યા હતા. ૨ જૂન ૧૯૯૧ના રોજ તેઓની સરદાર પટેલ સ્ટેડિયમ નવરંગપુરા પાસે ધામધૂમથી દીક્ષા થઈ હતી. જેમાં દેશ વિદેશથી એક લાખથી વધુ ભક્તો ઊમટ્યા હતા. તેમનો જન્મ ૧૦ ઓગસ્ટ ૧૯૬૧ અષાઢ વદ ચૌદશ વડગામ બનાસકાંઠામાં થયો હતો.

તેમનું સાંસારિક નામ અતુલ શાહ હતું. તેમનું દરેક વિષય પર પ્રભુત્વ હતું. મેકોલો પદ્ધતિમાં બી.કોમ ઉપરાંત તેમણે સાંસ્કૃત-પ્રાકૃતનો અભ્યાસ કર્યો હતો. તેમને પ્રાચીન સંસ્કૃતિની વિશેષતા ઉપર અનેક લેખો લખ્યા છે. આધુનિક જીવનશૈલી પર પાશ્ચાત્ય ખાણીપીણીની અસરના કારણે બીમારી અને વિકારોની સામે સમાજને તેમણે લાલબત્તી ધરી હતી. અનેક શ્રાવકોને તેમણે ઓર્ગેનિક આહાર માટે પ્રેર્યા હતા અને તેમણે પ્રાચીન જીવનશૈલી અપનાવી હતી. તેઓ હાલની શિક્ષણપદ્ધતિથી વિરુદ્ધમાં હતાં.

તેથી વૈકલ્પિક વ્યવસ્થારૂપે તેમણે સાબરમતી, રાજસ્થાનમાં જોધપુર અને સુરત-મુંબઈ સહિત આઠ સ્થળોએ ગુરુકુલમ્ની સ્થપના કરાવી હતી. જેમાં દેશવિદેશથી આવીને બાળકો અહીં ભણી રહ્યા છે. બાળપણથી જ રાત્રી ભોજન અને કંદમૂળનો તેમણે ત્યાગ કર્યો હતો.

૧૧ વર્ષની વયે તેમણે ચાર સિવાયના તમામ મિષ્ટાન્નનો ત્યાગ કર્યો હતો. કોલેજની શરૂઆત પહેલાં તેમણે બહારના પદાર્થોનો પણ ત્યાગ કર્યો હતો. તેમના અંતિમ સમય સુધી તેઓ વાંચન, ચિંતન, મનન, લેખન, પ્રવચન, પ્રવાસયાત્રા અને ધર્મ પ્રચારમાં પ્રવૃત્ત રહ્યા હતા.દોમ દોમ સાહ્યબીમાં ઊછરેલા મુનિરાજના કુટુંબનો ડાયમંડનો બિઝનેસ હતો. આવી સાહ્યબીમાં ઊછરેલા હોવા છતાં ૨૮ વર્ષ પહેલાં સંસારનો ત્યાગ કર્યો હતો.

You might also like