ચૂંટણી ઇફેક્ટઃ દારૂના કારોબાર પર ચાંપતી નજરઃ પોલીસના ભયથી બુટલેગરો ભૂગર્ભમાં

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોઇ મતદારોને રીઝવવા દેશી-વિદેશી દારૂનો બેફામ ઉપયોગ કરાતો હોવાની ફરિયાદોના કારણે ચૂંટણી પંચના આદેશથી શહેર પોલીસે દેશી-વિદેશી દારૂના કારોબાર પર ચાંપતી નજર રાખી ઠેર ઠેર દરોડા પાડવાનું શરૂ કરી હજારો ‌િલટર દેશી-વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આગામી તા.રર નવેમ્બરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાનાર છે. ભૂતકાળમાં ચૂંટણીઓ વખતે મતદારોને રીઝવવા અથવા અન્ય કારણસર દેશી-વિદેશી દારૂની રેલમછેલ કરાતી હતી. આ અંગે અગાઉ પણ અનેક ફરિયાદો સત્તાવાળાઓને મળી હતી. આ ચૂંટણીમાં આ પ્રકારની આવી કોઇ અસામાજિક પ્રવૃત્તિ ન થાય તે હેતુસર ચૂંટણીપંચે શહેર પોલીસને કડક પગલાં ભરવા તાકીદ કરતાં પોલીસતંત્ર દારૂ-જુગારના અડ્ડા પર તૂટી પડ્યું છે. જેના કારણે બુટલેગરો ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે.

જેના ભાગરૂપે તાજેતરમાં ચિલોડા સર્કલ નજીકથી, દહેગામ નજીકના આંત્રોલી નજીકથી અને બાવળા નજીકથી પોલીસે દેશી-વિદેશી દારૂનો જંગી જથ્થો કબજે કર્યો હતો. ગઇ કાલે પણ શહેર પોલીસે જુદા જુદા વિસ્તારમાં છાપા મારી ૯૯ લિટર દેશી દારૂ, ૪ર૮ વિદેશી દારૂની બોટલ, ૧૧૪ બિયરનાં ટીન સાથે એક કાર અને રિક્ષાને ઝડપી લીધાં હતાં અને દેશી-વિદેશી દારૂના ધંધામાં સંડોવાયેલા ૯૯ શખ્સની ધરપકડ કરી હતી. દારૂ-જુગારના અડ્ડા જે જે વિસ્તારમાં ચાલે છે તેવાં તમામ શંકાસ્પદ સ્થળો પર ગુપ્ત વોચ ગોઠવી રાઉન્ડ-ધ-કલોક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.

You might also like