લાઈફનો અર્થ જેમને ખબર નથી, તેઓ પણ કહે છે વૅલકમ ન્યૂ યર!

વર્ષ ૨૦૧૬ આજે ભૂતકાળ બની ગયું છે. ભૂતકાળ પાસેથી હિસાબ માગવાનો આપણને હક નથી, પણ ભૂતકાળને આપણી પાસેથી હિસાબ માગવાનો હક છે. રૃપિયા-પૈસાની જેમ દિવસો અને મહિનાઓ પણ શું હિસાબો રાખવાની અને પલાખાં માંડવાની ચીજ છે ?

જે લોકો જીવનનો અર્થ સમજ્યા નથી હોતા, એવા લોકો નવા વર્ષનું સ્વાગત કરવા કેમ વધુ પડતા હરખપદૂડા થઈ જતા હશે? એમનું આ ઓવરએક્સાઈટમૅન્ટ શું એમ પુરવાર નથી કરતું કે તેઓ હિસાબો અને પલાખાંમાં ડૂબેલા રહીને જીવન જીવવાનું ચૂકી ગયા છે ? લહેરો ગણવાની લાયમાં દરિયાને માણવાનું ચૂકી જવાનું પોસાય ખરું ? ટહુકા ગણવાની વૃત્તિને કારણે પંખીના સત્સંગથી દૂર રહી જવાનું પરવડે ખરું ?

કેટલાક લોકોને સમયનું શું કરવું એની કશી ગતાગમ હોતી નથી અને મોટાભાગે એવા જ લોકો ફરિયાદ કરતા હોય છે કે એમને સમય મળતો નથી ! ઓવરબિઝી માણસ દરેક કામ માટે ચોક્કસ આયોજન કરીને પોતાની મોજ માટે સમય કાઢી લેતો હોય છે, પણ એદી-પ્રમાદી લોકો ફુરસદ નહીં મળવાનાં બહાનાં કાઢીને મોજ માણવાથી દૂર રહે છે.

ગઈકાલ આપણા હાથમાંથી સરકી ગઈ છે અને આવતી કાલ આપણા હાથમાં નથી એની આપણને ખબર છે. આજ આપણા હાથમાં છે. આજે આપણે શું-શું કરી શકીએ એમ છીએ ?

આજે આપણે વહેલા ઊઠીને સૂર્યોદય જોઈ શકીએ છીએ. આજે આપણે આકાશમાં ઊડતાં પંખીઓને જોઈ શકીએ છીએ. આજે આપણે બાથરૃમમાં મસ્તીથી નાહી શકીએ છીએ. આજે આપણે પેરન્ટ્સની જરૃરતો પૂરી કરી શકીએ છીએ અને બાળકોને વહાલ કરી શકીએ છીએ. આજે આપણે લાઈફ-પાર્ટનરની વળગીને વહાલ કરી શકીએ છીએ અથવા લોંગ-ડ્રાઈવ પર જઈ શકીએ છીએ. આજે આપણે હીંચકાના કડામાં ઓઈલિંગ કરી શકીએ છીએ અને ઘરના માળિયાની સફાઈ કરી શકીએ છીએ. આજે આપણે ગાર્ડનમાં લટાર મારવા જઈ શકીએ છીએ અને ખાનગીમાં ગૂફતેગુ કરતા કોઈ પ્રેમીયુગલને છાની રીતે જોઈ શકીએ છીએ. આજે આપણે ડબલબૅડની ચાદર બદલી શકીએ છીએ અને ટેરેસ પર જઈને વીજળીનો ઊડી ગયેલો બલ્બ બદલી શકીએ છીએ. આજે આપણે અમસ્તા-અમસ્તા ખુલ્લા રસ્તા પર ટહેલવા નીકળી શકીએ છીએ અને કોઈ ભૂખ્યા ગરીબને એક સેન્ડવિચ ખવરાવી શકીએ છીએ. આજે આપણે હેરડાઈ કરી શકીએ છીએ અને જૂતાંને પૉલિશ કરી શકીએ છીએ. આજે આપણે કોઈ પુસ્તક વાંચી શકીએ છીએ અને ટીવી સિરિયલ પણ જોઈ શકીએ છીએ. આજે મંદિરમાં જઈને એક ખૂણામાં બેઠા બેઠા પથ્થરની મૂર્તિ સામે કેવીકેવી ચેષ્ટાઓ થાય છે એ જોઈ શકીએ છીએ અને મનપસંદ જૂનાં ફિલ્મીગીતો સાંભળી શકીએ છીએ.

લિસ્ટ ઘણું લાંબું થઈ ગયું, છતાં અહીં એનો અંત નથી. આ લિસ્ટમાં રહી ગયેલી ચીજો અનગિનત છે. તમે ઇચ્છો તો આજે દોસ્તોની પ્રશંસા કરી શકો અને ઇચ્છો તો દુશ્મનની ટીકા પણ કરી શકો.
આપણી અંગત મસ્તીના આપણે માલિક છીએ એની ઘણા બેવકૂફોને ખબર જ નથી હોતી. એટલે એમના માટે તો લાઈફનો અર્થ ઢસરડા, વલોપાત, રઘવાટ, દોડધામ, ઉધામા અને ઉચાટથી આગળ કે ઉપર જતો જ નથી.

મેં હંમેશાં માર્ક કર્યું છે કે હું ઑફિસે જવા નીકળ્યો હોઉં ત્યારે રસ્તા પર મારી આગળ કોઈ સુંદર યુવતી એકલી-એકલી ટુવ્હીલર પર ઓછી સ્પીડમાં જતી હોય તો હું એ દિવસે ઑફિસે મોડો જ પહોંચું છું અને જો એ યુવતી ફુલસ્પીડમાં જતી હોય તો એ દિવસે હું ઑફિસે વહેલો પહોંચી જાઉં છું. મારા ઑફિસે વહેલા કે મોડા પહોંચવાનું કારણ એ યુવતી બને છે એની એ યુવતીને તો ખબર પણ પડતી નથી. લાઈફની આ જ તો મજા છે, યાર !

આપણે હંમેશાં આપણી લાઈફને કંટાળાજનક અને ભારેખમ કેમ બનાવી દઈએ છીએ ? ન્યૂટ્રલ રહીને નૉર્મલ અને નેચરલ લાઈફ જીવતાં આપણને ધર્મગુરુઓ હંમેશાં કેમ આડા આવે છે ? એક હિન્દી કવિ કહે છે:
‘સબ સે બડા રોગ
ક્યા કહેંગે લોગ ?’
બીજા લોકો શું કહેશે એની બળતરામાં આપણાં મોજ-મસ્તીને વેડફવાનું બંધ કરીશું તો નવું વરસ આશીર્વાદ બની રહેશે.

You might also like