જે ભારતને પોતાનો દેશ માને છે, તેમને ગાયને માતા માનવી જોઇએ: રધુવર દાસ

નવી દિલ્હી: ઝારખંડના મુખ્યમંત્રી રધુવર દાસે શનિવારે કહ્યું કે જે લોકો ભારતને પોતાનો દેશ માને છે, તેમને ગાયને માતાના રૂપમાં માનવી જોઇએ. જો કે રધુવર દાસે ભારપૂર્વક કહ્યું કે ગાય બચાવવાની આડમાં હિંસા ન થવી જોઇએ. તેમણે કહ્યું કે ગાય બચાવવાના નામ પર હાલમાં થયેલી હિંસક ઘટનાઓમાં પશુ તસ્કર સામેલ થઇ શકે છે.

રધુવર દાસે કહ્યું કે ‘આખો સંઘ પરિવાર ગાય બચાવવાના મુદ્દાને લઇને એકમત છે. જે લોકો ભારતને પોતાનો દેશ માને છે, તેમને ગાયને પોતાની માતાની માફક સમજવી જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છ ઓગસ્ટના રોજ ગૌરક્ષકો પર પોતાનો રોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ પ્રકારના ‘સમાજ વિરોધી તત્વો’ રાત્રે અપરાધી બની રહે છે અને દિવસે ગૌરક્ષકો બનવાનો ઢોંગ કરે છે.

મોદીની ટિપ્પણી પર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ પ્રવિણ તોગડીયાએ આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ ગૌરક્ષકોને ‘સમાજ વિરોધી’ કહીને તેમનું અપમાન કર્યું છે. રધુવર દાસે કહ્યું કે ‘આ મુદ્દે આપણા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પણ કહ્યું છે, તે યોગ્ય છે. તમે કોઇપણ ધર્મ, જાતિના હોવ, પરંતુ ગાય આપણી માતા છે અને આપણે ગાયની રક્ષા કરવી જોઇએ, પરંતુ ગૌરક્ષકોના નામ પર જો કોઇ હિંસા કરે છે, તો આ સહન કરવામાં નહી આવે.’ હું વ્યક્તિગત રીતે અનુભવું છું કે જે લોકો પશુ તસ્કરીમાં લિપ્ત છે, તે જ આ પ્રકારના અપરાધ કરે છે, આ વાતની તપાસ થવી જોઇએ.’

You might also like