આ વર્ષે ૧૦ હજાર નવી ગેસ એજન્સી ખોલાશે

નવી દિલ્હી: પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે સરકાર વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન ૧૦ હજાર નવી ગેસ એજન્સીઓ ખોલશે. આ નવી ગેસ એજન્સીઓ ખોલવાના પગલે વડા પ્રધાન ઉજ્જવલા યોજના હેઠળ ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની મહિલાઓને વિના મૂલ્યે ગેસ કનેક્શન મળવામાં સુગમતા રહે તે માટે આ નવી ગેસ એજન્સીઓ દ્વારા એલપીજીનાં સિલિન્ડરોનો સપ્લાય કરવામાં આવશે.

ધર્મેન્દ્ર પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે હાલ દેશમાં ત્રણ જાહેર એલપીજી ડિસ્ટ્રિબ્યૂશન કંપનીના ૧૮ હજાર વિક્રેતાઓ છે. તેમણે જણાવ્યું કે ૨૦૦૦ નવી ગેસ એજન્સી ખોલવાની પ્રક્રિયા સંપન્ન થઇ ગઇ છે. આગામી નાણાકીય વર્ષના અંત સુધીમાં દેશમાં ૮૦૦૦ વધુ નવા વિક્રેતાઓની નિમણૂક કરવામાં આવેશે અને તેના પગલે એક લાખથી વધુ લોકોને રોજગાર મળશે.

તેમણે જણાવ્યું હતું કે ઉજ્જવલા યોજના હેઠળ ગ્રામીણ ગરીબ મહિલાઓને ત્રણ વર્ષમાં પાંચ કરોડ ગેસ કનેક્શન આપવાનો લક્ષ્યાંક છે. ઉત્તરપ્રદેશમાં હાલ ૫૩ ટકા લોકો જ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરે છે અને ગ્રામ્ય વિસ્તારોમાં આ સરેરાશ માત્ર ૨૦થી ૨૫ ટકા જ છે. આ વર્ષે ગેસ કનેક્શનનો ઉપયોગ વધારવા માટે દોઢ કરોડ ગેસ કનેક્શન આપવામાં આવશે, જે માટે રૂ. બે હજાર કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગરીબોને સિલિન્ડર, રેગ્યુલેટર, પાઇપ અને રેકોર્ડની બ્લ્યુ બુક આપવામાં આવશે, જેનો ખર્ચ સરકાર ભોગવશે.

You might also like