શેરબજારમાં વેકેશનનો માહોલઃ FIIની ખરીદીમાં આગેકૂચ જોવાશે?

ગઇ કાલે દિવસના અંતે બીએસઇ સેન્સેક્સ ૨૭૫.૩૭ પોઇન્ટના સુધારે ૨૪,૯૫૨.૭૪, જ્યારે એનએસઇ નિફ્ટી ૯૧.૮૦ પોઇન્ટના સુધારે ૭,૬૦૦ની ઉપર ૭,૬૦૪.૩૫ની સપાટીએ બંધ જોવાઇ હતી. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આરબીઆઇ દ્વારા વ્યાજદરમાં ઘટાડાની શક્યતા તેજ બની છે.

એક બાજુ ફુગાવાનો આંક નીચો આવી રહ્યો છે તો બીજી બાજુ ચાલુ ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજદરની યથાવત્ સ્થિતિ જાળવી રાખી છે ત્યારે અસમંજસની સ્થિતિ વચ્ચે ઉદ્યોગજગતની માગના પગલે આરબીઆઇ આગામી એપ્રિલ મહિનાની શરૂઆતમાં મળનારી બેઠકમાં નીતિગત વ્યાજના દરમાં ઘટાડો કરી શકે છે, એટલું જ નહીં બજારની નજર જાન્યુઆરી-માર્ચ મહિનાના ત્રિમાસિક સમયગાળાનાં પરિણામ ઉપર પણ ટકેલી છે. આગામી સપ્તાહે ૨૪ માર્ચે હોળી છે, જ્યારે ૨૫ માર્ચે ગુડ ફ્રાઇડે છે. આમ, ગુરુવાર અને શુક્રવાર એમ બે દિવસની રજા છે. સળંગ બે દિવસની રજાના કારણે શેરબજારમાં વેકેશનનો માહોલ છે.

કેલેન્ડર વર્ષ ૨૦૧૬ના જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં શેરબજાર તૂટ્યું હતું, પરંતુ ફેબ્રુઆરીના અંતે ૨૯ તારીખે બજેટ રજૂ કર્યા બાદ શેરબજારમાં ૧૧ ટકાથી વધુનો સુધારો નોંધાયો છે. એફઆઇઆઇએ કેશ માર્કેટમાં જે રીતે ખરીદી કરી છે તેનો સપોર્ટ શેરબજારમાં જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે સપ્તાહ દરમિયાન સેન્સેક્સમાં ૦.૯ ટકાનો સુધારો નોંધાયો છે, જ્યારે નિફ્ટીમાં ૧.૨ ટકાનો ઉછાળો નોંધાયો છે. બેન્ક નિફ્ટી પણ મજબૂત જોવાઇ છે.

You might also like