આ વખતે નવરાત્રી પહેલાં નાગરિકોને પ્રોપર્ટી ટેક્સનાં બિલ મળી જશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા અત્યાર સુધી એક અથવા બીજા કારણસર પ્રોપર્ટી ટેક્સના બિલનું વિતરણ વિલંબમાં મુકાતું રહ્યું છે. અનેક વાર દિવાળીના સપરમા દિવસોમાં પ્રોપર્ટી ટેક્સના બિલનું વિતરણ કરાયું છે. પરંતુ લાંબા સમય બાદ આ વખતે નવરાત્રી પહેલાં નાગરિકોને પ્રોપર્ટી ટેક્સના બિલ મળી જશે.

શહેરમાં ગત નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮ મુજબ કુલ ૧પ.ર૭ લાખથી વધુ રહેણાક મિલકત છે, જેમાં ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી મોટા નવા પશ્ચિમ ઝોનમાં સ્વાભાવિકપણે સૌથી વધુ ૩.૧૧ લાખથી વધુ, પશ્ચિમ ઝોનમાં ર.૯૯ લાખથી વધુ, પૂર્વ ઝોનમાં ર.૭૭ લાખથી વધુ, દ‌ક્ષિણ ઝોનમાં ર.૩ર લાખથી વધુ, ઉત્તર ઝોનમાં ર.૩૩ લાખથી વધુ અને મધ્ય ઝોનમાં સૌથી ઓછી ૧.૭પ લાખ મિલકત છે.

જ્યારે બિનરહેણાક મિલકતોની સંખ્યાના મામલે મધ્ય ઝોનમાં સૌથી વધુ ૧.ર૩ લાખથી વધુ, પશ્ચિમ ઝોનમાં ૮પ,૪૮૩, પૂર્વ ઝોનમાં ૮૪,૧૩૬, નવા પશ્ચિમ ઝોનમાં ૭૬,૯૩૧, ઉત્તર ઝોનમાં ૬૬,૭ર૪ અને દક્ષિણ ઝોનમાં સૌથી ઓછી ૬૬,૭ર૪ મિલકત મળીને કુલ ૪.૯૭ લાખથી વધુ મિલકત છે. આમ શહેરમાં રહેણાક-બિનરહેણાક મળીને કુલ ર૦.ર૪ લાખથી વધુ મિલકત છે.

ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯માં તંત્ર દ્વાર પૂર્વ ઝોનમાં ચતુર્વર્ષીય આકારણી હાથ ધરાઇ છે તેમાં પણ ૩.૦૭ લાખથી વધુ મિલકતોની આકારણી આટોપી લેવાઇ છે. શેષ મિલકતોની આકારણી આગામી ર૦ સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરાશે.

જાણકાર સૂત્રો કહે છે, તંત્ર દ્વારા આ વખતે રહેણાક અને બિનરહેણાક બિલના વિતરણની કામગીરી ઝડપભેર હાથ ધરાઇ છે. ફક્ત પૂર્વ ઝોનમાં ચતુર્વર્ષીય આકારણીનું કામ ચાલી રહ્યું હોઇ આ ઝોનના બિલ સિવાય અન્ય પાંચેપાંચ ઝોનમાં બિલનું વિતરણ થઇ ચૂક્યું છે.

ચાલુ વર્ષે વહેલાસર બિલનું વિતરણ કરાતાં તંત્રના ગત નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮ના ૧ એપ્રિલથી રર ઓગસ્ટ સુધીના સમયગાળામાં થયેલી રૂ.૩પ૮ કરોડની આવકની તુલનામાં આટલા જ સમયગાળામાં મ્યુનિસિપલ તિજોરીમાં રૂ.૪ર૮ કરોડ ઠલવાયા છે. એટલે કે આવકમાં રૂ.૭૦ કરોડની વૃદ્ધિ થઇ છે, જે ર૦ ટકાની ઉલ્લેખનીય વૃદ્ધિ દર્શાવે છે.

You might also like