આ રહ્યા રાજ્યના ‘ટોપ 25’ બુટલેગર અમદાવાદ શહેર-જિલ્લામાં દસનો દબદબો

અમદાવાદ: રાજ્યમાં દારૂનો સપ્લાય કરતા બુટલેગરો સામે હવે પોલીસે સકંજો કસ્યો છે. સીઆઇડી ક્રાઇમના ડીઆઇજીએ તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાને પત્ર પાઠવીને રાજ્યમાં મોટા પ્રમાણમાં દારૂનો સપ્લાય કરતા બુટલેગરોની યાદી મગાવી છે.

આ ઉપરાંત સીઆઇડી ક્રાઇમે રાજ્યના ટોપ રપ બુટલેગરોની યાદી પણ રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોને મોકલી આપી છે. આ બુટલેગરો જે ગુનામાં વોન્ટેડ હોય તેની યાદી તૈયાર કરીને તેના ધંધા અને રહેણાકની માહિતી મોકલી આપવા આદેશ કર્યો છે. ટોપ રપ બુટલેગરો પૈકી અમદાવાદ શહેર અને જિલ્લામાં ૧૦ બુટલેગરો સક્રિય છે.

સીઆઇડી ક્રાઇમના ડીઆઇજીએ રાજ્યના તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓને પત્ર પાઠવી મોટા પાયે દારૂ સપ્લાય કરતાં બુટલેગરોની યાદી મોકલવા આદેશ કર્યો છે. ડીઆઇજી દીપાંકર ત્રિવેદીએ પાઠવેલા પરિપત્રમાં જે ટોપ રપ બુટલેગરોની યાદી મોકલી છે તેમાં અમદાવાદ શહેરના અકબરઅલી ઉર્ફે ઝુબેરઅલી ઉર્ફે કાલુ મહેબૂબઅલી સૈયદ, હુસેન ઉર્ફે હુસેન બાટલો ઇસ્લાઇલભાઇ ધોળકાવાળા અને કિશોરસિંહ લંગડાનો સમાવેશ થાય છે.

આ ત્રણેય બુટલેગરો અમદાવાદ શહેર, ગ્રામ્ય, નડીઆદ, આણંદ, ગાંધીનગર, મહેસાણા સહિતનાં શહેરોમાં નાના નાના બુટલેગરોને દારૂ સપ્લાય કરે છે. આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્યના કાળુ છગન રાઠોડનો પણ સમાવેશ થાય છે. જે અમદાવાદ જિલ્લાની અંદર મોટા પાયે દારૂ સપ્લાય કરતો હોવાનું બહાર આવ્યું છે.

ટોપ રપ બુેટલેગરોની યાદી ઉપરાંત રાજ્યમાં મોટા પાયે દારૂનો ધંધો કરતા બુટલેગરોની યાદી કારણો સાથે બનાવી તેમજ જે ટોપ રપ બુટલેગરોમાં કોઇનું મરણ થઇ ગયું હોય તો તેના મરણના દાખલા સાથે મોકલી આપવા આદેશ કર્યો છે. રપ બુટલેગરો વિરુદ્ધમાં દાખલ ગુનાઓની યાદી, જે ગુનામાં પડકાયેલા હોય તેની વિગત ડીસીબી અને એલસીબી દ્વારા તૈયાર કરવા જણાવ્યું છે. પાસા, તડીપાર અને અન્ય અટકાયતી પગલાંની વિગતો પણ જણાવવા આદેશ કરવામાં આવ્યો છે.

ટોપ રપ બુટલેગરોના રહેણાંકની, ધંધાનાં સ્થળો, બેઠકનાં સ્થળો તેમજ તેમનાં વાહનોની માહિતી પણ મગાવીને રાખવા જણાવવામાં આવ્યું છે. આ તમામ વિગતો વર્ષ ર૦૧૦થી ૩૧-પ-ર૦૧૮ સુધીની મોકલવા ડીઆઇજીએ આદેશ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ માત્ર ઇડીને જ સંપતિ જપ્ત કરવાની સત્તા હોવાથી પોલીસે રૂ.૨૦ લાખ કે તેથી વધુ રકમનો દારૂ અને મુદ્દામાલ પકડાય તેવા કિસ્સામાં સંડોવાયેલા બુટલેગરોની સંપતિની યાદી તૈયાર કરી ઇડીને સુપરત કરવાની રહેશે, તેમ રાજ્ય પોલીસ વડા(ડીજીપી) શિવાનંદ ઝાએ તમામ રેન્જ આઇજી, પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓને સૂચના આપી હતી.

નામ કયા જિલ્લામાં દારૂ સપ્લાય કરે છે
અકબરઅલી મહેબૂબઅલી સૈયદ અમદાવાદ
હુસેન ઉર્ફે હુસેન બાટલો ધોળકાવાળા અમદાવાદ
કિશોરસિંહ ઉર્ફે કિશોર લંગડો અમદાવાદ
કાળુ રાઠોડ અમદાવાદ
ચિરાગ પંચોલી ગાંધીનગર
સુુનીલ દરજી ગાંધીનગર
ભરત ઉર્ફે ભરત લંગડો ડાંગી અમદાવાદ-ગાંધીનગર
વીરસિંહ માનાજી ઠાકોર ગાંધીનગર
વિનોદ ઉર્ફે વિનોદ સિંધી વડોદરા, અમદાવાદ-ગુજરાત
પિન્ટુ જયસ્વાલ વડોદરા
ફિરોજ ફ્રૂટ સુરત
ફિરોજ નાલબંધ સુરત
પરેશ જયકિશન સુરત અને વડોદરા
બાબુલાલ શાહ સુરત અને વડોદરા
પિન્ટુ નવાપુર સુરત
નાગદાન ટાપરિયા (ગઢવી) સૌરાષ્ટ્ર
અલ્તાફ સૌરાષ્ટ્ર
બધો રબારી જૂનાગઢ
ધીરેન કારિયા જૂનાગઢ
અશોક પરમાર વડોદરા-ગોધરા
રમેશ કલાક વડોદરા-ગોધરા
કૈલાસ ઉર્ફે કૈલાસ રાઠી ગુજરાત
જોગીન્દરપાલ શર્મા ગુજરાત
દિલીપ મારવાડી વડોદરા, ગોધરા
મુપારામ ઉર્ફે મફા મારવાડી અમદાવાદ,
ગાંધીનગર, ગોધરા, વડોદરા
(ડીઆઇજીએ તમામ પોલીસ વડાને પાઠવેલા પરિપત્ર મુજબ બુટલેગરોની યાદી)

અનિરૂદ્ધસિંહ મકવાણા

You might also like