રેલવે કમાણી કરવા કરી રહી છે આ ઉપાય… જાણી તમને થશે નવાઇ

નવી દિલ્હી: રેલવે કેટલાક વર્ષોથી ટિકિટના દરમાં વધારો કરવાના બદલે કમાણીના નવા નવા ઉપાયો શોધેે છે. દરેક ઝોનને કમાણી વધારવા માટે નવી રીતો શોધવાનો આદેશ અપાય છે. મધ્ય રેલવેએ એક નવી યોજના અપનાવી છે. મધ્ય રેલવેએ પોતાના કર્મચારીઓની પગારની સ્લિપ પર જાહેરાત છાપવાનો નિર્ણય લીધો છે.

એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપી રહી છે તો બીજી તરફ અત્યાર સુધી પગાર માટે સ્લિપ છાપવી પણ એક અનોખું કામ રહ્યું છે. રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે માત્ર પગારની સ્લિપ જ નહીં, પરંતુ એસી એકસપ્રેસમાં અપાતી બેડશીટ અને નેપ્કિનનાં કવર પર પણ કંપનીઓની જાહેરાત છપાશે.

મધ્ય રેલવેના મુંબઇ મંડળે આ નાણાકીય વર્ષમાં જાહેરાતો દ્વારા કમાણી કરવામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આવા સંજોગોમાં નવા આઇડિયાને પણ ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે.

અધિકારીના જણાવ્યા અનુસાર હોમલોન આપનારી કંપનીઓ પગારની સ્લિપ પર જાહેરાત આપવા તૈયાર છે. લગભગ ડઝન જેટલી કંપનીઓ વિજ્ઞાપન માટે પાંચથી છ લાખ ખર્ચવા તૈયાર હોય છે. આ પ્રકારના વિજ્ઞાપનોથી રેલવેને લગભગ એક કરોડ રૂપિયાની કમાણી થવાની શકયતાઓ છે. અધિકારીના જણાવ્યા મુજબ આ નિર્ણય રેલવેની આર્થિક સ્થિતિ સુધારવાના ઉદ્દેશથી લેવાયો છે.

મધ્ય રેલવેના મુંબઇ મંડળમાં કુલ ૩૬,૦૦૦ કર્મચારીઓ કામ કરે છે અને પ્રશાસન આ કર્મચારીઓને અપાતી પગારની સ્લિપ માટે દર વર્ષે ર.પ લાખ રૂપિયા ખર્ચે છે. આવા સંજોગોમાં આ યોજનાથી કર્મચારીઓની સ્ટેશનરી પર થતો ખર્ચ આ જાહેરાતોમાંથી નીકળી જશે અને અન્ય ખર્ચ પણ બચાવી શકાશે.

મધ્ય રેલવેના મુંબઇ મંડળથી ચાલનારી લાંબા અંતરની ટ્રેનોના એસી કોચમાં બેડશીટ અને નેપ્કિન માટે ૯૬ લાખ કવરનો ઉપયોગ કરવામાં આવે છે. બેડશીટ અને નેપ્કિનનાં કવર ખોલતી વખતે યાત્રીઓની નજર તેના પર છાપેલી જાહેરાતો પર જશે.

એ વાતનું ધ્યાન રાખતાં મધ્ય રેલવેએ કવર પર જાહેરાત છાપવાનો નિર્ણય લીધો છે. વર્તમાનમાં ઉપયોગમાં લેવાતા કવરને છાપવાનું કામ રેલવે કરે છે, પરંતુ જાહેરાતો મળ્યા બાદ તેનો કોન્ટ્રાકટ કોઇક કંપનીને આપવામાં આવશે.

You might also like