સાયબર ગઠિયાથી બચવું એક માત્ર ઉપાય, રૂપિયા ગયા તો પાછા નહીં અાવે

અમદાવાદ: આજના ડિજિટલ યુગમાં સાયબર ક્રાઈમની સંખ્યામાં વધારો થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના તાબા હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે સાયબર લેબ અને અલગ સાયબર બ્રાન્ચ ઊભી કરવામાં આવી છે. રાજ્યના સૌથી મોટા શહેરની પ્રજા સાયબર ક્રાઈમનો ભોગ બને તો તેને ન્યાય આપી શકાય તે આશયથી આ સાયબર સેલ બનાવાયો છે, પરંતુ સાયબર ક્રાઈમના ગુના ઉકેલવા માટે બનાવાયેલી સાયબર ક્રાઇમ બ્રાન્ચ શોભાના ગાંઠિયા સમાન બની ગઇ છે. જો તમે ઓનલાઈન ફ્રોડનો ભોગ બનો છો અને તમારા પૈસા જતા રહે તો તેને પરત મેળવવાની આશા છોડી દેજો, કારણ કે આવા સાયબરના ગુનાઓ ઉકેલવામાં શહેર પોલીસ અને સાયબર ક્રાઈમના અધિકારીઓ નિષ્ફળ રહ્યા છે. અમદાવાદ શહેરમાં દરરોજ બે લોકો સાયબર ક્રાઈમના ભોગ બન્યા અંગેની ફરિયાદ નોંધાવે છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચ આવા ગુનાઓના આરોપી સુધી પહોંચી શકી નથી.

બેન્ક દ્વારા લોકોને મેસેજ મોકલીને, અખબારોના માધ્યમથી તેમજ સાયબર ક્રાઈમના અવેરનેસ કાર્યક્રમો દ્વારા લોકોમાં જાગૃતિ લાવવામાં આવી રહી હોવા છતાં લોકો આવા સાયબર ક્રાઈમનો ભોગ બની રહ્યા છે. ગઠિયાઓ લોકોને એટીએમ બ્લોક થઇ ગયું હોવાનું કહીને, અમુક લોકોને આધારકાર્ડ લિંક કરવાના બહાને, કેટલાકને એટીએમ એક્સપાયર થઇ ગયું હોવાનું કહી અને તેમની પાસેથી ‌િપન નંબર મેળવી અને ઓટીપી માગી તેમની સાથે છેતરપિંડી કરતા હોય છે. આ ઉપરાંત હવે ખાનગી ફાઇનાન્સ કંપનીની લોન બાકી હોવાનું જણાવી અને ફાઇનાન્સ કંપનીના લોન એકાઉન્ટમાંથી ઇ-કોમર્સ વેબસાઈટ પરથી ખરીદી કરી છેતરપિંડી આચરવાના ગુનાઓ પણ વધ્યા છે.

સાયબર ક્રાઈમ બ્રાન્ચનાં સૂત્રોના જણાવ્યા મુજબ ફેસબુક પર હેરેસમેન્ટ, મેસેન્જર દ્વારા પજવણીના કેસમાં ઘટાડો થયો છે. આવા કેસમાં કોઈ જાણીતી વ્યક્તિ નીકળતી હોવાથી સમાધાન થઇ જતું હોય છે. ઓનલાઈન ફ્રોડ અને એટીએમના પિન નંબર માગી છેતરપિંડીના ગુનાઓ અંગેની ફરિયાદો વધુ મળી રહી છે. ખાસ કરીને હવે ખાનગી ફાઇનાન્સ કંપનીના લોન એકાઉન્ટમાંથી ફ્લિપકાર્ટ ઉપર ખરીદી કરી અને છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે. ગઠિયાઓ લોન એકાઉન્ટની માહિતી મેળવી અને આ રીતે છેતરપિંડી આચરવાની નવી મોડ્સ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે.

ચાર મહિના અગાઉ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્થાનિક પોલીસ દ્વારા પણ તપાસ થઈ શકે તેવી અંદાજે ૪,૦૦૦ જેટલી સાયબર ક્રાઈમને લગતી અરજીની લોકલ પોલીસ સ્ટેશનમાં મોકલી દેવાઈ હતી.

You might also like