ચીનમાં ઉતરતા જ ઓબામાને થયો કડવો અનુભવ : અધિકારીએ કહ્યું દેશ અને એરપોર્ટ અમારા

બેઇજીંગ : અમેરિકાનાં રાષ્ટ્રપતિ પોતાની અંતિમ ચીન યાત્રા કરવા માટે શનિવારે હાંગઝોઉ પહોંચ્યા હતા. જી20 સંમેલનમાં ભાગ લેવા માટે આવેલા તેમનાં દળને ઉતરતાની સાથે જ ચીનનો કડવો અનુભવ થયો હતો. જેવું તેમનું પ્લેન ઉતર્યું કે એક ચીની અધિકારીએ અમેરિકાનાં દળની આકરી ઝાટકણી કાઢી હતી. ચીની અધિકારીએ કહ્યું કે, આ અમારો દેશ છે અને અમારૂ એરપોર્ટ છે. એટલું જ નહીઅમેરિકાનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સુસેન રાઇસ અને વ્હાઇટ હાઉસનાં પત્રકારોને પણ તપાસમાંથી મુક્તિ અપાઇ નહોતી.

સામાન્ય રીતે ઓબામાં સાથે યાત્રા કરનારા પત્રકારો વિમાનમાંથી ઉતર્યા બાદ બોઇંગ 747ની વિંગ નીચે ઉભા રહી જતા હોય છે. જેનાં કારણે તેઓ રાષ્ટ્રપતિ બહાર નિકળે તેની તસ્વીરો લઇ શકે અથવા શુટિંગ કરી શકે. જો કે હાંગઝોઉમાં ઓબામાંનાં વિમાનમાંથી ઉતર્યા બાદ ચીની સુરક્ષા અધિકારીઓએ એક લીલુ દોરડુ લગાવી દીધું હતું અને પત્રકારોને તેમાં ધકેલીને તેમાં જ રહેવા કડક સુચના આપી હતી.

ચીની અધિકારીઓ આટલે નહોતા અટક્યા. એક તો વ્હાઇટ હાઉસનાં અધિકારીઓ સાથે ગેરવર્તણુંક કરવા લાગ્યો. પત્રકારોને ત્યાંથી રવાનાં થઇ જવા માટે કહેવા લાગ્યો. ત્યારે વ્હાઇટ હાઉસની એક મહિલાએ તેમને કહ્યું કે આ અમેરિકાનાં રાષ્ટ્રપતિનું વિમાન છે. જેનાં જવાબમાં અધિકારીએ અંગ્રેજીમાં કહ્યું કે, આ અમારો દેશ છે અને એરપોર્ટ પણ અમારૂ જ છે.

ઉપરાંત રાઇસ અને વ્હાઇટ હાઉસનાં વરિષ્ઠ અધિકારી બેન રોડ્સે જ્યારે દોરડુ પાર કરીને ઓબામા પાસે જવાનો પ્રયાસ કર્યો તો ચીની અધિકારીઓ ગિન્નાયા હતા. તેમણે રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો હતો. જેનાં પગલે સિક્રેટ સર્વિસનાં એજન્ટ્સ સાથે ચડસા ચડસી થઇ ગઇ હતી. જો કે ત્યાર બાદ ઓબામાનો કાફલાએ એરપોર્ટ છોડી દીધું હતું. આ અંગે પુછવામાં આવતા રાઇસે કહ્યું કે જે કાંઇ થયું તે ખુબ ગંભીર હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ચીની સમુદ્રનો ચુકાદો આવ્યા બાદ ચીન અને અમેરિકા વચ્ચે તણાવ છે.

You might also like