ખંડિત સ્ટેચ્યૂ, તૂટેલી રેલિંગ… શહેરની શોભા વધારતા ટ્રાફિક આઇલેન્ડની આ છે હાલત

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના વિવિધ ટ્રાફિક આઇલેન્ડની શોભા વધારવા માટે અલગ અલગ થીમ પર સ્ટેચ્યૂ મૂક્યાં છે જે હાલ ખંડિત થઇ ગયાં છે. જેના કારણે આઇલેન્ડની શોભા વધવાની જગ્યાએ ઘટી છે.

છેલ્લાં દસ વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશને મોટા ઉપાડે આઇલેન્ડ પર બનાવેલાં સ્ટેચ્યૂની એવી દુર્દશા થઇ ગઇ છે, તેની દરકાર રાખવાની પણ તસદી લેવામાં આવતી નથી. શહેરના પાંચ આઇલેન્ડ પર મકેલાં સ્ટેચ્યૂ તૂટી ગયાં છે તેને રિપેર કરવાનું તો બાજુમાં રહ્યું પરંતુ સત્તાધીશોનાં પેટનું પાણી પણ હાલતું નથી. ટ્રાફિક આઇલેન્ડની સફાઈ થતી નથી.

કેટલીક જગ્યાએ લોકો કપડાં સૂકવે છે તો ક્યાંક આડેધડ પોસ્ટર અને બેનરો લગાવી દેવાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ મ્યુનિસિપલ કાઉન્સિલરો, ધારાસભ્યો અને સાંસદો તેમના વિસ્તારની શોભા વધારવા માટે સરકારી ગ્રાન્ટનો ઉપયોગ કરીને આઇલેન્ડ પર વિવિધ થીમ પર સ્ટેચ્યૂ બનાવતાં હોય છે.

શહેરનો અતિસંવેદનશીલ વિસ્તાર ગણાતા દરિયાપુર પાસે આવેલા પ્રેમ દરવાજા બહાર કોમી એક્તા રહે તે માટે સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલરોએ તેમની ગ્રાન્ટમાંથી વર્ષ ૨૦૧૪-૨૦૧૫માં શાંતિ અને અમનની થીમ પર વિદ્યાર્થીનું સ્ટેચ્યૂ મૂક્યું હતું. જે હાલ ખંડિત થઇ ગયું છે.

આ આઇલેન્ડ પર ચબૂતરો હોવાથી હજારો કબૂતર સ્ટેચ્યૂ પર બેસે છે અને તેને ગંદું કરે છે. આ વિદ્યાર્થી પૈકી એક વિદ્યાર્થીનો હાથ તૂટી ગયો છે. દર વર્ષે શહેરમાં સૌથી મોટી જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. જે થીમ પર સરસપુરમાં પૂર્વ સાંસદ હરીન પાઠકની ગ્રાન્ટમાંથી વર્ષ ૨૦૦૯માં પૂર્વ મેયર કાનાજી ઠાકોરે ટ્રાફિક સર્કલનું લોકાપર્ણ કર્યું હતું.

રથયાત્રાના થીમ પર બનાવેલા આ આઇલેન્ડને દસ વર્ષ પણ પૂરાં નથી ત્યારે તેમાં મૂકેલાં સ્ટેચ્યૂ ખંડિત થઇ ગયાં છે. સરસપુર સર્કલ પર ચાર વિવિધ આઇલેન્ડ બનાવીને સ્ટેચ્યૂ મૂક્યાં છે. જેમાં તમામ સ્ટેચ્યૂ ખંડિત થઇ ગયાં છે. બે સ્ટેચ્યૂના હાથ કપાઇ ગયા છે ત્યારે જગન્નાથના રથની દોરીઓ તૂટી ગઇ છે, જ્યારે એક હાથીના સ્ટેચ્યૂનો દાંત તૂટી ગયો છે.

સરસપુરથી આગળ જઇએ ત્યારે શારદાબેન હોસ્પિટલના સર્કલ પાસે વર્ષ ૨૦૦૯માં ધારાસભ્ય વલ્લભ કાકડિયાની ગ્રાન્ટમાંથી દીકરી બચાવો અને સુખી પરિવાર થીમ પર આઇલેન્ડ બનાવવામાં આવ્યો હતો. જે હાલ કપડાં સુકવવા માટે ઉપયોગી થાય છે.

આઇલેન્ડમાં માતા પિતા તેમની બે પુત્રી સાથે ખુશીની પળ માણી રહ્યા છે. પિતાના ખભા પર એક પુત્રી છે અને તેને તડકો આવે નહીં તેના માટે તેની માતા છત્રી લઇને ઊભી છે. પહેલાં આ સ્ટેચ્યૂ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર હતું. જોકે હવે તેને કોઇ જોતું પણ નથી કારણ કે દસ વર્ષ બાદ આ સ્ટેચ્યૂમાં માતાનો હાથ કપાઇ ગયો છે.

શહેરમાં રખિયાલ વિસ્તાર ડાયનાસોરવાળા સર્કલથી ઓળખાય છે. દસેક વર્ષ પહેલાં રખિયાલમાં ડાયનાસોરવાળો આઇલેન્ડ બનાવવામાં આવ્યો હતો. જેમાં ફૂવારા પણ લગાવવામાં આવ્યા હતા. સ્થાનિકો સહિત આસપાસના લોકો ડાયનાસોરને જોવા માટે આવતા હતા.

જોકે હવે કોઇ ડાયનાસોરને જોવા માટે આવતા નથી કારણ તે તેના પગ તૂટી ગયા છે. બાપુનગર વિસ્તારમાં આવેલ સ્ટેડિયમ પાસે વર્ષો પહેલાં લગાવવામાં આવેલા ફૂવારાની પણ કાંઇક આવી હાલત છે. લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા આ ફૂવારામાં પાણી તો નથી. પરતું તે તૂટી ગયો છે. ફૂવારાવાળા આ આઇલેન્ડમાં હાલ કચરો નાખવામાં આવે છે.

ભૂલાભાઇ સર્કલ પર નવરાત્રિની થીમ પર આઇલેન્ડ બનવવામાં આવ્યો હતો. જેમાં એક યુવક અને બે યુવતી ગરબા રમતા હોવાનું સ્ટેચ્યૂ મૂકવામાં આવ્યું હતું. આજે તમામ સ્ટેચ્યૂ તૂટી ગયાં છે, અને એક યુવતીનું સ્ટેચ્યૂ તો જમીન પર પડી ગયું છે.

શહેરની શોભા વધારવા માટે મોટા ઉપાડે કોર્પોરેશન દ્વારા વિવિધ થીમ પર આઇલેન્ડ તો બનાવી દે છે જેની સમયસર દેખરેખ નહીં થતાં તેની આવી હાલત થઇ જાય છે જે શોભામાં વધારો નહીં પરંતુ ઘટાડો કરે છે.

આ અંગે એસ્ટેટ વિભાગનો હવાલો સંભાળતા પૂર્વ ઝોનના ડેપ્યુટી કમિશનર જયેશ એસ. પ્રજાપતિને પૂછતાં તેઓ કહે છે, ”જે તે ઝોનના ઈજનેર સહિતના સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓને સ્ટેચ્યૂની દેખરેખ રાખવાની સૂચના અપાઈ હોઈ ઝોન સ્તરેથી સમય સમય પર આ કામગીરી હાથ ધરાય છે.
મૌલિક પટેલ

You might also like