સંસદમાં ફરી ઉંઘતા જોવા મળ્યા ‘યુવરાજ’, કોંગ્રેસે કહ્યું વિચારી રહ્યા હતા

નવી દિલ્હી: ઉના દલિત હિંસા મામલે બુધવારે જ્યારે સંસદમાં હોબાળા વચ્ચે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સદનમાં મીઠી નિંદર માણી રહ્યાં હતા. એટલું જ નહી તે એટલી હદે નિંદ્રામાં લીન હતા કે કોંગ્રેસના સદનના વોકઆઉટને પણ તે મિસ કરવાના હતા. એ તો ભલુ થજો સાંસદોનું જેમણે સમયસર રાહુલ ગાંધીને બહાર જવા માટે કહ્યું.

જો કે આ સમગ્ર ઘટના ત્યારની છે જ્યારે ગૃહ મંત્રી રાજનાથ સિંહ લોકસભામાં ઉના હિંસા પર નિવેદન આપી રહ્યાં હતા. આ દરમિયાન સદનમાં જોરદાર હોબાળો થઇ રહ્યો હતો, પરંતુ ત્યારે રાહુલ ગાંધી પોતાની સીટ પર સૂતા જોવા મળ્યા હતા. થોડી મિનિટોની નિંદર બાદ જ્યારે તે જાગ્યા તો પોતાના ફોનમાં વ્યસત થઇ ગયા. તે કોઇને મેસેજ કરી રહ્યાં હતા.

પરિસ્થિતિ ત્યારે વધુ રસપ્રદ બની ગઇ જ્યારે હોબાળા અને વિરોધ વચ્ચે કોંગ્રેસે સદનમાંથી વોકઆઉટ કરી દીધું. પરંતુ આ બધાથી અજાણ રાહુલ ગાંધી પોતાની સીટ પર બેસી રહ્યા. આ દરમિયાન કેટલાક સાંસદો રાહુલ ગાંધી સુધી પહોંચ્યા અને તેમને કહ્યું કે પાર્ટીએ વોકઆઉટ કરી દીધું છે, તમારે પણ આવવું જોઇએ. ત્યારે રાહુલ ગાંધીએ પોતાની સીટ પરથી ઉભા થયા.

બીજી તરફ કોંગ્રેસ પોતાના ‘યુવરાજ’ના બચાવમાં ઉતરી આવી છે. પાર્ટીના દિગ્ગજ નેતા રેણુકા ચૌધરીએ કહ્યું કે રાહુલ ગાંધી સૂતા ન હતા, પરંતુ કંઇક વિચારી રહ્યાં હતા. તેમણે કહ્યું કે ‘કોઇ આટલા હોબાળામાં કેવી રીતે સૂઇ શકે? તે સૂઇ રહ્યા ન હતા. મને લાગે છે આ વાતને કારણ વિના મહત્વ આપવામાં આવી રહ્યું છે. ઘણા મોટા મુદ્દા છે જેના પર વાત થવી જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી આ પહેલાં પણ સંસદની કાર્યવાહી દરમિયાન ઉંઘવાના લીધે ચર્ચામાં રહ્યાં છે.

You might also like